સુરતમાં અફીણ, ગાંજો, ડ્રગ્સનું ધૂમ વેંચાણ અને સેવન: ભાજપના પૂર્વમંત્રીનો લેટર બોંબ
દારૂૂના મુદ્દે જીગ્નેશ મેવાણીના પોલીસને પટ્ટા ઉતારી દેવાના વિવાદથી દારૂૂ-ડ્રગ્સનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સરકાર અને પોલીસ પર દારૂૂ અને ડ્રગ્સ બંધ કરાવવા મુદ્દે સરકાર પર આકરા પ્રહાર કરી રહી છે. બીજી બાજું જનતા પણ મેવાણીના સમર્થનમાં રેલી કરી દારૂૂ-ડ્રગ્સના દૂષણ સામે અવાજ ઉઠાવી રહી છે. વિપક્ષે પણ જનતા રેડની ચિમકી ઉચ્ચારી છે. એવામાં હવે ભાજપના ધારાસભ્યે પણ વિપક્ષના સૂરમાં સૂર પૂરી સરકારને પત્ર લખીને જાહેરમાં દારૂૂ-ડ્રગ્સના વેચાણના દૂષણની ફરિયાદ કરી છે અને પોલીસની કામગીરી પર આકરા પ્રશ્નો કર્યા છે.
કુમાર કાનાણીએ સુરત મ્યુ. કમિશનરને પત્ર લખીને કહ્યું કે, સુર્યપુર ગરનાળાથી પ્રાણી સંગ્રહાલય સરથાણા જકાતનાકા સુધી આવેલ ઓવર બ્રીજ નીચે તેમજ વલ્લભાચાર્ય રોડ પરના ડિવાઈડરની વચ્ચે ખૂબ જ મોટા પ્રમાણમાં લોકો રહે છે. અહીં JCB, ટ્રક, ટેમ્પા જેવા મોટા વાહનોનું પાર્કિંગ થાય છે. જેને કારણે તેની આડમાં ગેરકાયદે ધંધા જેવા કે અફીણ, ગાંજો, ડ્રગ્સનું ખૂબ જ મોટા પ્રમાણમાં વેચાણ અને સેવન થાય છે અને પારાવાર ગંદકી પણ થાય છે, જે ખૂબ જ ગંભીર બાબત છે. આ બાબતે અનેકવાર રજૂઆતો થયેલી છે. લોકો દ્વારા અને સામાજિક સંસ્થાઓ દ્વારા પણ આ વાત ધ્યાન પર મૂકવામાં આવી છે. છતાં આ બાબતે કોઈ ગંભીરતાપૂર્વક કામ કરી પ્રશ્નનો કાયમી ધોરણે હલ કરવામાં આવતો નથી. આ કામ પોલીસ વિભાગ અને સુરત મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે સંકલન કરી કાયમી ધોરણે કેટલા દિવસમાં ઉકેલ લાવવા માંગો છો. તેનો લેખિતમાં જવાબ આપવા મારી માંગણી છે.