તે ભેળમાં ડુંગળી સાથે કોથમીર કેમ નાખી? કહી યુવાન પર છરીથી હુમલો
શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા લાખના બંગલા પાસે સંતોષભેળની લારી ધરાવતા યુવાને ભેળમાં ડુંગળીની સાથે કોથમરી નાખતા ત્રણ શખ્સોએ પકડીને ઢીકા પાટુનો માર માર્યો હતો. અને છરીથી હુમલો કરતા ઘવાયેલા યુવાને દેકારો કરતા આજુબાજુના લોકો ત્યાં દોડી ગયા હતાં. અને થોડીવારમાં 100 નંબર પર કોઈએ જાણ કરતા પોલીસની ગાડી આવી જતાં એક શખ્સને સકંજામાં લીધો હતો અને અન્ય બે નાશી જતાં તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
વધુ વિગતો મુજબ લાખના બંગલા પાસે ગૌતમ નગરમાં રહેતા રવિ ઘુઘાભાઈ સોહલા નામના ભરવાડ યુવાને કલ્પેશ, વિક્રાંત અને રવિરાજ રાણા વિરુદ્ધ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. રવિભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે મારૂતિ હોલથી લાખના બંગલા તરફ જતાં રસ્તે સંતોષભેળ નામે લારી ધરાવે છે. ગત તા. 14ના રોજ રાત્રીના સમયે પોતે પોતાની રેકડી પર હતા ત્યારે એક ફોર વ્હીલમાં આવેલા ત્રણ શખ્સોએ ભેળનો ઓર્ડર આપ્યો હતો. અને તેમાંથી એક ભાઈએ ડુંગળી વધુ નાખવાનું કહ્યું હતું. તેથી રવિભાઈએ ડુંગળીની સાથે કોથમરી નાખી ત્રણેયને ભેળ આપતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતાં. અને ભેળમાં ડુંગળીની સાથે કોથમરી કેમ વધુ નાખી કહી ત્રણેય કારની બહાર નિકળી ગાળો બોલવા લાગ્યા હતાં. અને તેમાંથી રવિરાજ રાણાએ છરી કાઢી અને તેમાંથી બે માણસો કલ્પેશ અને વિક્રાંતે પકડી રાખી રવિને ઢીકાપાટુનો માર મારી છરી વડે હુમલો કર્યો હતો.
ત્યાર બાદ દેકારો થતાં રવિરાજ અને કલ્પેશ ત્યાંથી ભાગી ગયા હતાં જ્યારે 100 નંબરમાંથી પોલીસવાન આવી જતાં વિક્રાંતને પકડી પોલીસ મથકે લઈ જઈ તેની વધુ પુછપરછ કરવામાં આવી હતી.