For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દાહોદમાં બાળકીની હત્યા મુદ્દે ભાજપ કેમ મૌન ?

12:46 PM Oct 02, 2024 IST | Bhumika
દાહોદમાં બાળકીની હત્યા મુદ્દે ભાજપ કેમ મૌન
Advertisement

ગુજરાતના દાહોદમાં છ વર્ષની બાળકી પર બળાત્કારના પ્રયાસમાં સફળ ના થતાં તેની હત્યા કરી દેવાઈ એ ઘટનાએ ખળભળાટ મચાવ્યો છે. આ પાશવી કૃત્યનો આરોપી ગોવિંદ નટ નામનો સ્કૂલનો પ્રિન્સિપાલ છે. ગોવિંદ નટ ભાજપ અને વિશ્ર્વ હિન્દુ પરિષદ સાથે સંકળાયેલો છે તેથી કોંગ્રેસ સહિતના વિપક્ષો તૂટી પડ્યા છે. બીજી તરફ વિશ્ર્વ હિંદુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગોવિદં નટ સાથે પોતાને કંઈ લેવાદેવા નહીં હોવાનો બચાવ કરી રહ્યા છે. ગોવિંદ નટના ભાજપ, સંઘ અને વિશ્ર્વ હિંદુ પરિષદ સાથે કનેક્શન હોવાના પુરાવા સોશિયલ મીડિયા પર હોવા છતાં ભાજપ એવું કહી રહ્યો છે કે, ગુજરાતની પ્રજાએ વિપક્ષોને સ્વીકાર્યા નથી તેથી કોંગ્રેસ સહિતના વિપક્ષો ભાજપ સામે મનઘડત આરોપો મૂકીને ભાજપની છબી બગાડવાનો પ્રયાસ કરે છે. આપણે જેમને ધર્મના રક્ષકો માનીએ છીએ એ હિંદુત્વના બની બેઠેલા ઠેકેદારો કેવી હરકતો કરી રહ્યા છે અને હિંદુત્વ પર કલંક લગાવી રહ્યા છે તેની ખબર પડે.

સામાન્ય રીતે પોલીસ રાજકારણીઓની દલાલ બનીને વર્તતી હોય છે પણ આ કેસમાં પોલીસ ખરેખર સભાનતાથી અને ઘટનાની ગંભીરતાને સમજીને જવાબદારીથી વર્તી છે. આ કલંકિત ઘટનાને રોકી ના શકાઈ તેમાં પોલીસનો વાંક નથી કેમ કે બાળકીના પરિવારે જેના પર ભરોસો મૂકેલો એ સ્કૂલનો આચાર્ય જ હેવાન નીકળ્યો તેમાં પોલીસ કશું ના કરી શકે પણ પોલીસે બાળકીની લાશ મળી પછી કોઈ પણ શેહશરમમાં આવ્યા વિના નટને જેલભેગો જ ન કર્યો પણ એ છટકી ના શકે એ માટેના પુરાવા પણ રજૂ કર્યા છે. શાળાના આચાર્ચ ગોવિંદ નટ શંકાના દાયરામાં હતા પણ એ નામક્કર જતાં પોલીસે અલગ રસ્તો અપનાવ્યો.

Advertisement

પોલીસ શૈક્ષણિક સહાયક અને એનજીઓના કાર્યકર બનીને સ્કૂલમાં ગઈ, પોલીસે બાળકો સાથે વાત કરી તો ખબર પડી કે, બાળકી પ્રાર્થનાસભામાં કે મધ્યાહન ભોજન વખતે દેખાઈ જ નહોતી. પોલીસને એ શંકા મજબૂત બની કે આ કાંડમાં આચાર્યનો હાથ છે. પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસ્યા તો બાળકી સ્કૂલમાં આવી નહોતી એ સાબિત થયું. આ પુરાવા સાથે આચાર્યની પૂછપરછ કરી તો તેમણે ગુનાની કબૂલાત કરવી પડી. ગોવિંદ નટે સ્વીકાર્યું કે, બાળકીને પોતાની કારમાં બેસાડ્યાં બાદ છેડછાડ કરતાં તે બૂમો પાડવા લાગી હતી. બાળકીને બૂમો પાડતી અટકાવવા માટે તેનું મોઢું દબાવી દીધું અને તેના કારણે તે ગૂંગળાઈને મૃત્યુ પામી હતી. પોલીસે નટને ઉઠાવીને જેલભેગો કરી દીધો છે અને હવે કોર્ટ તેમને તેમના કુકર્મની સજા આપશે. વિશ્ર્વ હિન્દુ પરિષદના ગુજરાત પ્રદેશ મંત્રી અશોક રાવલે સ્વીકાર્યું કે, ગોવિંદ નટ અમારી સાથે જોડાયેલા હતા પણ છેલ્લાં બે વર્ષથી તેમની જવાબદારીથી મુક્ત હતા તેથી આ મામલે વિશ્ર્વ હિંદુ પરિષદનું નામ સંડોવવું યોગ્ય નથી.

ગુજરાતના સંઘ પ્રચારક શંભુપ્રસાદ શુક્લે સ્વીકાર્યું છે કે, ગોવિંદ નટ અને તેમનાં બન્ને બાળકો રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે જોડાયેલાં છે. ભાજપનો બચાવ નબળી માનસિકતાનો પુરાવો છે. કોલકાતાની ડોક્ટર પરની રેપ અને હત્યાની ઘટનાને ભાજપે જોરશોરથી ચગાવેલી. મોદી સાહેબે લાલ કિલ્લા પરથી આ ઘટનાનો ઉલ્લેખ કર્યો. દાહોદમાં છ વર્ષની બાળકી પર રેપનો પ્રયાસ થયો ને તેમાં સફળ ના થતાં કહેવાત હિંદુવાદીએ તેની હત્યા કરી નાખી એવું ભાજપ શાસિત ગુજરાતની જ પોલીસ કહે છે ને ભાજપ હત્યારાના પોતાની સાથે કોઈ સંબધ છે એવું સ્વીકારવા જ તૈયાર નથી.ભાજપ આ મહાભૂલ કરી રહ્યો છે. ગોવિંદ નટે બતાવેલી વિકૃતિ ને કરેલો અપરાધ વ્યક્તિગત છે ને આવા માણસને પોષીને અમે હિંદુ સમાજનો બહુ મોટો અપરાધ કર્યો છે એવું સ્વીકારીને ભાજપે હિંદુઓની માફી માગવી જોઈએ. પોતાની સાથે આવાં કોઈ વિકૃતો હશે તો તેમને બહાર કરાશે એવી ખાતરી આપવી જોઈએ.

Advertisement
Tags :
Advertisement
Advertisement