અંબાજીની ધરતીમાંથી નીકળતા સફેદ માર્બલને વૈશ્ર્વિક ઓળખ, GI ટેગ મળ્યો
બનાસકાંઠા જિલ્લાના પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ તરીકે પ્રસિદ્ધ અંબાજી હવે માત્ર ધાર્મિક આસ્થા માટે જ નહીં, પરંતુ તેની ધરતીમાંથી નીકળતા શુદ્ધ સફેદ માર્બલ માટે પણ વિશ્વમાં આગવી ઓળખ મેળવી છે.
અંબાજી વિસ્તારના માર્બલને ભારત સરકારે ભૌગોલિક સંકેત(Geographical Indication GI Tag) તરીકે માન્યતા આપી છે. આથી અંબાજી માર્બલ હવે કાયદેસર રીતે સુરક્ષિત અને વૈશ્વિક સ્તરે ઓળખ ધરાવતું ઉત્પાદન બની ગયું છે. આ ટેગ સાથે અંબાજી માર્બલનું માન વધ્યું છે, અને હવે તે વિશ્વના નકશા પર ગુજરાતની નવી ઓળખ તરીકે ચમકશે.
જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું કે, પવિત્ર યાત્રાધામ તરીકે શક્તિપીઠ અંબાજીને વૈશ્વિક ઓળખ મળી છે તેવી જ રીતે અંબાજી માર્બલનું નામ પણ વિશ્વમાં તેજસ્વી રીતે લખાયું છે. હવે અંબાજી શ્રધ્ધાની સાથે કુદરતી સંપત્તિ અને ઔદ્યોગિક ગૌરવનું પ્રતીક પણ બન્યું છે. અંબાજી માર્બલનું માન વધ્યું છે, અને અંબાજીનું નામ વિશ્વના પથ્થર ઉદ્યોગના નકશા પર તેજસ્વી રીતે લખાયું છે. આ સિધ્ધિ બદલ કલેકટરે બનાસ વાસીઓ અને અંબાજી માર્બલ ક્વોરી અને ફેક્ટરી એસોસિએશનને અભિનંદન પાઠવ્યા હતા.
અંબાજી વિસ્તારનો માર્બલ તેની દૂધિયા સફેદ ચમક, ટકાઉપણું અને પ્રાકૃતિક સૌંદર્ય માટે જાણીતા છે. આ માર્બલનો ઉપયોગ અંબાજી મંદિર સહિત અનેક ધાર્મિક સ્થળો, સ્મારકો અને ભવ્ય ઈમારતોમાં થાય છે. તે ગુજરાતની ધરતીની કુદરતી સૌંદર્ય અને પરંપરાગત હસ્ત કૌશલ્યનું પ્રતીક છે.