સ્મશાનના લાકડાં ક્યાં ગયા?, તપાસના આદેશ
ચોમાસા દરમિયાન ધરાશાયી થયેલા 602 વૃક્ષોનો નિકાલ કરનાર બે એજન્સીઓ અને ગાર્ડન વિભાગ પાસેથી વિગત મેળવ્યા બાદ કાર્યવાહી થશે : ડે. કમિશનર
રાજકોટ શહેરમાં ચોમાસા દરમિયાન ધરાશાયી થયેલા 600થી વધુ વૃક્ષોના લાકડાનો નિકાલ સ્મશાનમાં કરવાનો હોય છે. પરંતુ અમુક લાકડા ભરેલા ટ્રેક્ટરો બારોબાર પગ કરી ગયાની ફરિયાદો ઉઠતા ડેપ્યુટી કમિશનરે જણાવેલ કે, ધરાશાયી થતાં વૃક્ષોના થડ અગ્નિદાહ માટે કામમાં આવતા હોય તેને સ્મશાન ખાતે નાખવામાં આવે છે. જેનું કામ બે એજન્સી દ્વારા કરવામાં આવે છે. 602 વૃક્ષો ધરાશાયી થયા છે. જે પૈકી મોટાભાગના વૃક્ષોની નાની મોટી ડાળીઓની પણ ગણતરી કરવામાં આવી છે. આથી ફક્ત થળનો ઉપયોગ સ્મશાનમાં થતો હોય હાલ 28 ટ્રેક્ટરની એન્ટ્રી સ્મશાન ખાતે કરવામાં આવી છે.
આથી પડેલા વૃક્ષોની ગણતરી અને તેમાંથી નિકળેલા લાકડાઓનો હિસાબ બે એજન્સીઓ અને ગાર્ડન વિભાગ પાસેથી મેળવ્યા બાદ તેનું ક્રોસ ચેકીંગ કરી નિર્ણય લેવામાં આવશે.ચાલુ વર્ષે ભારે વરસાદના પગલે શહેરના અલગ અલગ સ્થળોએ 602 વૃક્ષો ધરાશાયી થયાનું મનપાના ચોપડે નોંધાયું છે. આ તમામ વૃક્ષોના લાકડાનો નિકાલ વર્ષેથી બે એજન્સી દ્વારા સ્મશાનમાં કરવામાં આવી રહ્યો છે. પરંતુ આ વર્ષે અમુક લાકડા ભરેલા ટ્રેક્ટરોનું બારોબાર વેચાણ થયાની ચર્ચા ઉઠતા ડેપ્યુટી કમિશનરે જણાવેલ કે, દર વર્ષે મનપા દ્વારા વૃક્ષો ધરાશાયી થયા હોય તેનો આંકડો જાહેર થાય છે તેમાં ડાળીઓનો પણ સમાવેશ થતો હોય છે.
આથી આ વર્ષે ધરાશાયી થયેલા 602 વૃક્ષો પૈકી મોટાભાગના વૃક્ષોની ડાળીઓ તુટેલી જોવા મળી છે. છતાં ગાર્ડન વિભાગ દ્વારા વૃક્ષો હટાવવાની કાર્યવાહી કરવામાં આવેલ અને તેમની નોંધ મુજબ કેટલા મોટા વૃક્ષો ધરાશાયી થયા છે અને તે પૈકી કેટલા વૃક્ષોના થળ કે જે બાળવા લાયક હોય તે અલગથી કાઢવામાં આવ્યા છે. તેની વિગત મળી શકી નથી છતાં ગાર્ડન વિભાગ દ્વારા એકઠા કરવામાં આવેલ વૃક્ષોની વિગત અને એજન્સીઓ દ્વારા સ્મશાન ખાતે મોકલવામાં આવેલ ટ્રેક્ટરોની વિગત મેળવી ક્રોસ વેરીફીકેશન કરવામાં આવશે ત્યાર બાદ જો આ બનાવમાં કૌભાંડ થયું હશે તો કસુરવારો વિરુદ્ધ પગલા લેવામાં આવશે. તેમ કહી હાલ તપાસના આદેશ આપ્યા છે. તેમ જણાવ્યું હતું.
ડેપ્યુટી કમિશનરે વધુમાં જણાવેલ કે, વૃક્ષો ધરાશાયી થવાની ઘટના દર ચોમાસામાં બનતી હોય છે. અને ગાર્ડન વિભાગ દ્વારા આ વૃક્ષોના બાળવા લાયક લાકડાનો જથ્થો એજન્સી મારફત સ્મશાન ખાતે મોકલવામાં આવતો હોય છે. સ્મશાનમાં થયેલ એન્ટ્રી તેમજ એજન્સી દ્વારા કરવામાં આવેલ જથ્થાની એન્ટ્રી અને ગાર્ડન વિભાગે નોંધેલ લાકડાના જથ્થાની એન્ટ્રીને મેળવવામાં આવતી હોય છે. આજ સુધી આ પ્રકારની ઘટના બની નથી. તેથી આ વખતે પણ ખરેખર સળગાવા લાયક હોય તેવો લાકડાનો જથ્થો સ્મશાન સુધી પહોંચી ગયા હોવાની શક્યતા જોવાઈ રહી છે. છતાં તપાસના અંતે સાચી વિગત બહાર આવશે.
લાકડાં કૌભાંડમાં વિજિલન્સ તપાસની માંગ કરતી કોંગ્રેસ
સ્મશાન લાકડા પ્રકરણમાં વિપક્ષી નેતા વસરામભાઈ સાગઠિયા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા તંત્રને રજૂઆત કરી જણાવેલ કે, આપણા ગાર્ડન વિભાગ માથી જુદા જુદા સ્મશાનોમા 33 જેટલા ટ્રેકટરો લાકડા મોકલવામા આવ્યા છે જેની અમારા દ્વારા બાપુનગરમા આવેલ સ્મશાન જે સરદાર યુવા ગ્રૂપ દ્રારા સંચાલીત છે ત્યાં એક પણ ગાડી ગઈ નથી અને કોર્પોરેશનના રેકર્ડ ઉપર 5 ગાડી છે તો તેનો રેકોર્ડ અમોએ ચેક કરતા એકપણ ગાડી છેલ્લા મહીનામા લાકડાની ગઈ નથી, જન્માષ્ટીમીમા વરસાદી માહોલની વચ્ચે જે મોટા વૃક્ષો કાપેલ તે કોર્પોરેશન દ્વારા કટીંગ કરાયેલા હોય તે રાજકોટ મહાનગરપાલીકાના કયા કયા સ્મશાન ગૃહોમા મોકલવામા આવેલ તેની પણ વિગતો જાહેર કરવી જોઈએ અને રાજકોટ મહાનગરપાલીકાએ આ વૃક્ષોનું કટીંગ કરી અને લાકડા સ્મશાન ગૃહમા મોકલાવામા આવેલ હોય તો તેનો ખર્ચ પણ જાહેર કરે. આ કોન્ટ્રાકટ સોમનાથ એન્ટરપ્રાઈઝના હિરેન પટેલ ના નામે અપાયેલ છે અને છેલ્લા એક દસકા ઉપરથી આ સોમનાથ એન્ટરપ્રાઈઝને કોન્ટ્રેક્ટ અપાયેલ છે તો તેના છેલ્લા 10 વર્ષનો રેકર્ડ ચેક કરી વીજીલન્સ તપાસ કરી કસુર વાન જણાયે પોલીસ ફરીયાદ કરી નિયમ મુજબ કાર્યવાહી કરી બ્લેક લીસ્ટ જાહેર કરો.