મેં કયાં કીધું છે કે હું રાજીનામું આપીશ અમૃતિયાને ગોપાલ ઇટાલિયાનો જવાબ
વિસાવદરમાંથી નવા ચૂંટાયેલા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પ્રભાતપુર ગામમાં એક મોટી સભાને સંબોધી હતી. જેમાં તેમણે પોતાના મતદારો પ્રત્યે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે લોકોના ચહેરા પર ખૂબ આનંદ છે અને આ ખુશી ફક્ત તેમની જીતને કારણે નહીં, પરંતુ વર્ષોથી અનુભવાતી પીડામાંથી રાહત અને મોકળા મને પોતાને અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતાને કારણે છે. આ દરમિયાન તેમણે કાંતિ અમૃતિયા કાલે ગાંધીનગર વિધાનસભા પહોંચ્યા અને રાજીનામું ના આપ્યું એ અંગે પણ વળતો જવાબ આપ્યો હતો.
ગોપાલ ઇટાલિયાએ મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ આપેલા ચેલેન્જ વિશે જણાવ્યું કે, વાંચતા લખતા અને ચોરી પકડતા મને આવડે છે. ભાજપવાળાએ મુદ્દો ભટકાવવા એવું કીધું કે, ગોપાલ ઈટાલિયા રાજીનામું આપશે. મેં ક્યાં કીધું છે કે, હું રાજીનામું આપીશ.
ક્યાં મારો એવો શબ્દ છે. જે ગોપાલ ઈટાલિયાએ આખી સરકારને હરાવીને ઉમેદવારોએ જીતાડ્યો છે એમને એવું કહેતા શરમ નથી આવતી કે, ગોપાલ ઈટાલિયા રાજીનામું આપશે.તેમણે વધુમાં કહ્યું કે, બાકી રહી ગયું તું ત્યાં આ મોરબીવાળી ઘટનામાં મારો નંબર બધાને ભાજપના લોકોએ વાઈરલ કર્યો. આજ સવારથી લગભગ મારામાં 500 ફોન આવ્યા કે, કાં આવ્યો નહીં. આમ થઈ ગયું તેમ થઈ ગયું. એટલા બધા અપ શબ્દવાળા ફોન મને આવ્યા છે. ઉપાડુંને સીધી ગાળ જ ચાલું કરે. તમે મારો નંબર આખા ગુજરાતમાં આપી દો અને મને ગાળો દેવા ફોન કરે એ વાજબી વાત છે? એને લીધે પ્રભાતપુરમાંથી સરપંચે મને ફોન કર્યો તો એની સાથે પણ વાત ના થઈ. બધાને ખબર છે કે, ગોપાલ ઈટાલિયા એનું રાજીનામું આપશે એવું બોલ્યો નથી છતા કોઈ મોરબીવાળાને કોઈ પૂછતું નથી કે, ગોપાલ ઈટાલિયા બોલ્યો નથી. મને ખરાબ દર્શાવવા માટે આ ષડયંત્ર ચાલું થયા છે.