શિક્ષિકાએ ફડાકા મારતા છાત્રને ઝાડા થઇ ગયા, તાવ આવી ગયો
ટોઈલેટ જઇ કલાસરૂમ સુધી દોડીને આવતા ધો.2ના છાત્રને મળેલી સજા: ડીઈઓને ફરિયાદ
શાળાઓમાં વિદ્યાર્થીઓને શિક્ષક દ્વારા માર મારવામાં આવતો હોય તેવા કિસ્સા વર્તમાનમાં છાશવારે બની રહ્યા છે. રાજકોટમાં પણ વધુ એક કિસ્સો સામે આવ્યો છે. બજરંગવાડીમાં આવેલ સત્યપ્રકાશ સ્કુલમાં ધો.2નો છાત્ર શૌચાલય બાદ પરત દોડ મુકી કલાસરૂમમાં જતો હતો ત્યારે કલાસ ટીચરે તેને ફડાકા માર્યા હોવાની ફરીયાદ જિલ્લા શિક્ષણાધિકારી સુધી થઇ છે.
મળતી વિગત મુજબ ગઇકાલે શાળાના સમય દરમ્યાન ધો.2નો વિદ્યાર્થી શૌચાલય જઇ પોતાના મિત્રો સાથે કલાસરૂમમાં દોડતો ગયો હતો. તેમાં કલાસના મહીલા ટીચર દ્વારા તેને બે ફડાકા મારવામાં આવ્યા હોવાની રાવ બાળકના વાલી દ્વારા ફરીયાદ કરવામાં આવી છે અને રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીને પણ ઓનલાઇન ફરીયાદ કરવામાં આવી છે.
આ અંગે વાલી ગુુલાબભાઇ ઘોરીએ જણાવ્યું હતું કે આ ઘટનાથી મારો પુત્ર આતિફ ગભરાઇ ગયો છે અને તેને તાવ તેમજ ઝાડા થઇ ગયા હોય તાકીદે તેને સારવાર માટે હોસ્પીટલમાં લઇ જવો પડયો છે. આ બાબતે આજે પ્રિન્સીપાલને પણ રજુઆત કરવામાં આવશે. અગાઉ પણ 6-8 મહીના પહેલા આવી જ ઘટના બની હતી ત્યારે જતું કર્યું હતું. પરંતુ આ વખતે પાણી ઉપરથી જતા ઉપર સુધી રજુઆત કરવામાં આવશે.
કોંગ્રેસના વિદ્યાર્થીનેતા રોહિતસિંહ રાજપૂતે આ બાબતે જણાવ્યું હતુ કે અમે જીલ્લા શિક્ષણ અધિકારીને આ કિસ્સામાં શિક્ષિકા પર તેમજ સ્કૂલ સંચાલક પર કડક પગલાં લેવા માંગ કરી છે.સ્કૂલોમાં વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા માર મારવાના બનાવો કોઈ નવી બાબત નથી કારણ કે ખાનગી સ્કૂલો લાયકાત વગરના,ટ્રેનિંગ આપ્યા વગર જ ભરતી કરી લે છે જેમા સંચાલકોનો સ્વાર્થ હોય છે તેઓ સસ્તા પગારમા મળી રહે છે પરંતુ આવા શિક્ષકોને નાના ભૂલકાઓ સાથે વ્યવહાર,વર્તનની ભાન નથી હોતી જેથી આવા બનાવો વધે છે.
વાલી-શિક્ષિકાને સાંભળી યોગ્ય નિર્ણય લેવાશે
મારી પાસે આ ઘટનાની માહિતી આવી હતી જેથી મે ભોગ બનનાર વિદ્યાર્થી, વાલી અને શિક્ષિકાને રૂબરૂમાં બોલાવ્યા છે. બન્ને પક્ષની વાત સાંભળી અને ત્યારબાદમાં યોગ્ય નિર્ણય લેવામાં આવશે. અને ફરીથી આવી ઘટના શાળામાં ન બને તેના માટેના પ્રયાસ કરવામાં આવશે. -મનવિરભાઇ કુંગશીયા,પ્રિન્સીપાલ સત્યપ્રકાશ સ્કુલ