સુરેન્દ્રનગરમાં ગણેશ વિસર્જન પૂરૂ થવા આવ્યું ત્યારે પાલિકા તંત્ર કુંડ બનાવવા દોડ્યું
ગણેશમહોત્સવને લઇ દર વર્ષે પાલિકા દ્વારા વિસર્જન માટે કુંડની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. આ વર્ષે મનપાએ 6 દિવસ વિત્યાં બાદ દાળમીલ રોડ ઉપર હામપરના મેલડી માતાના મંદિર પાસે કુંડ બનાવવાનું યાદ આવ્યું છે. સુરેન્દ્રનગર શહેરમાં 60થી વધુ જગ્યાએ મોટા ગણેશજીની સ્થાપના કરાય છે. અંદાજે 800થી વધુ ઘરમાં બપ્પાની મૂર્તિ રાખી પૂજા-અર્ચન કરવામાં આવે છે. ત્યારે વિસર્જન સમયે સરકારે પાલિકાને ડૂબવાના બનાવ ન બને અને તળાવોનું પાણી દૂર્ષિત ન થાય તે માટે કુંડ બનાવવાની સૂચના આપી છે.
પાંચ દિવસમાં શહેરના નજીકના દૂઘરેજ તળાવ, વઢવાણ તળાવ ધોળી ધજા ડેમમાં લોકોએ મૂર્તિઓનું વિસર્જન કરી દીધા બાદ મનપાએ દાળમીલ રોડથી આગળ આવેલા હામપરના મેલડી માતાના મંદિર પાસે ગણેશ વિસર્જન માટે કુંડ બનાવાની કામગરી હાથ ધરી છે. જે ગઇકાલે ખુલ્લો મુકવામાં આવશે.
સુરેન્દ્રનગર-મુળી હાઇવે પરથી ધોળીધજા ડેમ તરફ જવા એક માર્ગ છે. જ્યારે મનપાનો કુંડ શહેરથી અડધો કિમી દૂર હામપર મેલડીમાં મંદિર દાળમીલ ખમીસણા રોડ ઉપર બનાવાયો છે. અંદરની તરફ કુંડ અંગે લોકો અજાણ હોવાથી કેનાલવાળા રસ્તે થઇ ડેમમાં વિસર્જન કરવા પહોંચી જાય છે. સરકાર દ્વારા જાહેર જળાશયોમાં મૂર્તિ વિસર્જન ન કરવાની અપીલ હોવા છતાં 3, 5 દિવસ બાદ ગણપતિનું વિસર્જન ન છૂટકે જળાશયો અને તળાવોમાં કરવું પડ્યું હતું. જેને લીધે પૂજાપાની થેલીઓ, ફૂલહારનો ઢગ ખડકાયો હતો.