ગેરકાયદે ધર્મસ્થળો હટાવવા શું પગલાં લીધા?; સરકારને ઝાટકતી હાઇકોર્ટ
ગૃહ સચિવે કરેલા સોગંદનામા અંગે વ્યકત કરી સખત નારાજગી, વિગતવાર નવું એફિડેવિટ ફાઇલ કરવા હુકમ
રાજ્યમાં જાહેર સ્થળો પર અનઅધિકૃત રીતે બંધાયેલા ધાર્મિક સ્થાનોના વિવાદ કેસમાં રાજ્ય સરકાર દ્વારા રજૂ કરાયેલા જવાબ પર ગુજરાત હાઈકોર્ટે ગંભીર નારાજગી વ્યક્ત કરી હતી અને સરકાર પક્ષને માર્મિક ટકોર કરી હતી કે રાજ્યભરમાં જાહેર રસ્તાઓ, માર્ગો અને સ્થાનો પરના ગેરકાયદે એવા કુલ ધાર્મિક સ્થાનો પૈકી હજુ સુધી માત્ર તમે 23.33 ટકા ધાર્મિક સ્થાનો દૂર કરી શક્યા છો. આ પ્રકારના ગેરકાયદે ધાર્મિક સ્થાનો દુર કરવા અંગે ખુદ સુપ્રીમ કોર્ટનો હુકમ છે, તો તમે તે હુકમના પાલન સંદર્ભે શું કર્યું..? તમે નીતિ વિષયક નિર્ણય લીધો હોવાના બહાને તમે પિટિશનના નિકાલ માટે બચાવ કરી શકો નહીં. તમે નીતિ વિષયક નિર્ણય લીધો હોવાના બહાને તમે પિટિશનના નિકાલ માટે બચાવ કરી શકો નહીં
ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરૂદ્ધા માયાની ખંડપીઠે માત્ર રાજ્યની આઠ મહાનગરપાલિકા વિસ્તાર જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં જાહેર રસ્તા-સ્થળો પરના ગેરકાયદે ધાર્મિક સ્થાનો દૂર કરવા સરકારે શું પગલાં લીધા અને કામગીરીની આંકડાકીય માહિતી સાથેનું વિગતવાર સોંગદનામું ફરીથી રજૂ કરવા ખુદ રાજ્યના ગૃહ સચિવને હુકમ કર્યો હતો.
હાઈકોર્ટે કેસની વધુ સુનાવણી ફેબ્રુઆરી માસના અંતમાં મુકરર કરી હતી. હાઈકોર્ટે રાજ્યના ગૃહ સચિવ તરફથી રજૂ કરાયેલા સોંગદનામાં પરત્વે ભારે અસંતોષ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે તેમાં અધૂરી, અસ્પષ્ટ અને અપૂરતી વિગતો છે. સરકાર એક્શન પ્લાનની વાત કરે છે પરંતુ એક્શન પ્લાનની કોઈ વાત સોંગદનામાં સ્પષ્ટ થતી નથી.
ટૂંકમાં સરકારના સોગંદનામામાં હકીકતોને લઈ કોઈ સ્પષ્ટતા જ નથી, તેથી ગૃહ સચિવે ફરીથી વિગતવાર સોગંદનામું રજૂ કરવાનું રહેશે. રાજ્યમાં જાહેર રસ્તાઓ, બાગ,બગીચાઓ, ફુટપાથ, ખુલ્લી જગ્યાઓમાં ગેરકાયદે રીતે ઉભા કરી દેવાયેલ દરગાહ, દેરીઓ સહિતના ધાર્મિક સ્થાનોને લઈ અગાઉ ગંભીર નારાજગી વ્યક્ત કરી રાજ્ય સરકારને આ સમગ્ર મામલે પોતાનું વલણ સ્પષ્ટ કરવા હુકમ કર્યો હતો.
રાજ્યમાં કુલ 1430 સ્થળે અનધિકૃત ધાર્મિક બાંધકામો
રાજ્ય સરકારે સંબધિત સત્તાવાળાઓને જરૂરી સૂચનાઓ જાહેર કરવા કામગીરી આરંભી છે. માર્ચ-2019માં રાજ્યમાં રસ્તા, બાગ, બગીચા, ફૂટપાથ સહિતની જગ્યાએ કુલ 14,330થી વધુ અનઅધિકૃત ધાર્મિક સ્થાનો માલૂમ પડ્યા હતા. અગાઉ 2-1-2020ના રોજ સરકાર દ્વારા આ મામલે આ પ્રકારના ગેરકાયદે ધાર્મિક સ્થાનો દૂર કરવા અંગે એક્શન પ્લાન અંગે નિર્ણય કરાયો હતો, પરંતુ કોરોના મહામારીના કારણે સરકારની કામગીરીમાં વિલંબ થયો હતો.