અમિત ખુંટ આપઘાત કેસમાં અમને ખોટી રીતે સંડોવી દીધા છે : અનિરુદ્ધસિંહ જાડેજા
રાજકોટના રિબડા ગામના પાટીદાર યુવક અમિત ખૂંટના આપઘાત કેસમાં એક નવો વળાંક આવ્યો છે. આ મામલે અનિરુદ્ધસિંહ જાડેજાએ એક વીડિયો જાહેર કરીને પોતાનો ખુલાસો રજૂ કર્યો છે. તેમણે જણાવ્યું છે કે તેમને અને તેમના પરિવારને આ કેસમાં ખોટી રીતે સંડોવવામાં આવ્યા છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ વીડિયોમાં જણાવ્યું હતું કે સગીરા દ્વારા મૃતક યુવક પર દુષ્કર્મની જે ફરિયાદ નોંધાવવામાં આવી છે પોલીસ તેની યોગ્ય તપાસ કરે. આ આપઘાત કેસમાં તેમની કે તેમના પરિવારની કોઈ પણ પ્રકારની સંડોવણી ખુલે તો તેઓ પોલીસ સમક્ષ હાજર થવા માટે તૈયાર છે. આ સાથે જ અનિરુદ્ધસિંહ જાડેજાએ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા પર આ સમગ્ર મામલે કાવતરું ઘડવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.
તેમણે કહ્યું કે જયરાજસિંહ જાડેજા તેમને અને તેમના પરિવારને ખોટી રીતે હેરાન કરવા માટે આ કાવતરું રચી રહ્યા છે. અનિરુદ્ધસિંહના જણાવ્યા અનુસાર, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા રિબડા આવ્યા પછી અમિત ખૂંટની સ્યુસાઇડ નોટમાં ઘણા બધા ચેડાં કરવામાં આવ્યા હતા અને તેમાં તેમનું તથા તેમના પુત્ર રાજદીપનું નામ ખોટી રીતે ઉમેરીને તેમને ફસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ પોલીસને આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવા માંગ કરી છે. તેમણે એ પણ માંગ કરી છે કે પોલીસ એ તપાસ કરે કે દુષ્કર્મ કેસની પીડિત સાથે તેમણે કે તેમના પરિવારે કોઈ સંપર્ક કર્યો છે કે નહીં. એટલું જ નહીં, પીડિતાના ફોનમાં તેમનો નંબર કે તેમના ફોનમાં પીડિતાનો નંબર છે કે નહીં તેની પણ પોલીસ તપાસ કરે તેવી માંગ તેમણે કરી છે. અનિરુદ્ધસિંહ જાડેજાનું માનવું છે કે પોલીસની ઊંડી તપાસથી જ સત્ય બહાર આવી શકશે.