દેશ વિરોધી લડાઈમાં અમે સરકાર સાથે: સર્વ ધર્મ સભામાં ઠરાવ
રાજ્યપાલ, મુખ્યમંત્રી, રાજ્યગૃહમંત્રીની હાજરીમાં વિવિધ ધર્મના વડાઓ, ગુરુઓ અને અગ્રણીની સભામાં સરકારની કાર્યવાહીના સમર્થનમાં સૂર વહ્યા
ભારત જોડો અભિયાન અંતર્ગત સર્વધર્મ સમભાવ સભા યોજાઈ
સમભાવનાથી ભારત સુખી, વિકસિત, શાંતિપ્રિય રાષ્ટ્ર બને : રાજ્યપાલ
ધર્મગુરુઓએ સમર્થન આપી સૈન્યનું મનોબળ વધાર્યું : મુખ્યમંત્રી
આપણે આતંકવાદ-દુશ્મન સામે સાથે મળીને લડવાનું છે : હર્ષ સંઘવી
રાજભવન, ગાંધીનગરમાં ‘ભારત જોડો અભિયાન’ અંતર્ગત ‘સર્વ ધર્મ સમભાવ સભા’નું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં મહર્ષિ દયાનંદ સભામંડપમ ખાતે આયોજિત આ સભામાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, જૈન, પારસી, દાઉદી વોહરા સહિત તમામ ધર્મો-સંપ્રદાયોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે ભારતીયોએ ક્યારેય કોઈને કષ્ટ આપ્યું નથી, પરંતુ જ્યારે આપણી સહિષ્ણુતાને નબળાઈ તરીકે સમજવામાં આવે છે, ત્યારે સમયની માંગ છે કે, આપણે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ભારત સરકારે લીધેલા નિર્ણયોનું સમર્થન કરીએ. આજે, જ્યારે તમામ સમુદાયના લોકો અહીં એકસાથે હાજર છે અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં પોતાની લાગણી અભિવ્યક્ત કરી રહ્યા છે, ત્યારે તે સ્પષ્ટ સંકેત છે કે જો આપણે આ ભાવના સાથે આગળ વધતા રહીશું, તો ભારત અવશ્ય એક સુખી, વિકસિત અને શાંતિપ્રિય રાષ્ટ્ર બની શકે છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, પહેલગામના આતંકી હુમલા બાદ સમગ્ર દેશના નાગરિકોને અપેક્ષા હતી કે આતંકવાદ સામે કઠોર કાર્યવાહી કરવામાં આવે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા આંતકવાદીઓનો સફાયો કર્યો છે. આજે આ સભામાં દરેક ધર્મના ધર્મગુરુઓએ ઉપસ્થિત રહીને પોતાના વક્તવ્ય થકી આપણે સૌ ભારતીયો એક છીએ તેવો સંદેશો આપીને ભારતીય સેનાનું મનોબળ અને જુસ્સો વધાર્યો છે તે પ્રશંસનીય છે. આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો, તેનો સેનાએ કડક જવાબ આપ્યો છે.
આ પ્રસંગે રાજ્યપાલના અગ્ર સચિવ અશોક શર્મા, ગાંધીનગર કલેક્ટર મેહુલ દવે, ગાંધીનગર મહાનગરપાલિકાના કમિશનર હિતેન્દ્રસિંહ વાઘેલા, તેમજ હિન્દુ, શીખ, ઈસાઈ, મુસ્લિમ, પારસી, જૈન સહિત વિવિધ સંપ્રદાયોના સંતો, મહંતો, ધર્મગુરુઓ, વડાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓના આગેવાનો અને કાર્યકરોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને સર્વધર્મ સમભાવનું સાચા અર્થમાં વિશાળ દર્શન કરાવ્યું હતું.
દિલીપદાસજી મહારાજ
મજબૂત નિર્ણય શક્તિના પરિણામે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આતંકવાદને જે મુહતોડ જવાબ આપ્યો છે તેની સાથે આજે આખો દેશ ઊભો છે. દેશ વિરોધી આ લડાઈમાં સર્વધર્મના નાગરિકો એકસાથે છે. સંત સમાજ આપણી સરકાર અને સેના સાથે છે,અમે તમામ સહયોગ આપવા કટિબદ્ધ છીએ.
દાઉદી વોરા પ્રમુખ મુલ્લાં કુતબુદ્દીન અખ્તરભાઈ
દેશ પર આવેલા આ સંકટના સમયમાં અમારા સમાજનો દરેક નાગરિક સરકારની પડખે છે. હવે દેશમાં કોઈ જ ધર્મ નથી હવે તમામ નાગરિકો ભારતીય છે.
આર. કે. પટેલ
દેશની કટોકટીની સ્થિતિમાં અમારા સમાજનો દરેક નાગરિક સરકારની સાથે છે. સરકાર દ્વારા આપવામાં આવતી તમામ માહિતી અને સૂચનાઓનું સુયોગ્ય અમલીકરણ કરાવવામાં આવશે.
ઈસાઈ ધર્મના પ્રતિનિધિ રેવરન્ટ જુલિયસ
આપણી સેના અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આતંકવાદી વિરુદ્ધ જે સચોટ કાર્યવાહી કરી રહી છે તેનું અમારું સંપૂર્ણ સમર્થન છે.આપણે દેશહિતમાં જે કરવું પડે તે કરવા તૈયાર છીએ. સૌએ એકસાથે ભારત દેશની રક્ષા કરીને અખંડિતતા જાળવી રાખવા પ્રયત્ન કરવો પડશે. દેશની સેનાનું મનોબળ વધે અને ઈશ્વર તેમને શક્તિ આપે માટે અમે કાલે અમદાવાદ ખાતે સામૂહિક પ્રાર્થના કરવાના છીએ.
શીખ આગેવાન ઈશ્વરસિંઘ બગ્ગા (ગોવિંદધામ થલતેજ)
ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે. વિવિધતામાં એકતા એ આપણી સંસ્કૃતિ છે ત્યારે આવી સ્થિતિમાં આપણે સૌએ ધર્મ ભુલીને ભારતીય બનવાનું છે.
મુસ્લિમ સમુદાયના આરીફ મુલતાની
તાજેતરમાં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની કડક નિંદા કરું છું.આપણી બહેનોનું સિંદૂર મિટાવનાર આતંકવાદીને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય સેનાથ ઓપરેશન સિંદૂરથથકી તેમનું સિંદૂર મિટાવાનું કામ કરી રહી છે તેમની સાથે આખો દેશ ઊભો છે.આપણે સાથે મળીને દેશની એકતા અને અખંડિતતા જાળવી રાખવાની નૈતિક ફરજ નિભાવવાની છે.
જૈન આગેવાન શ્રીપાલજી
અમારો જૈન સમાજ અહિંસામાં માને છે પરંતુ રાષ્ટ્રધર્મ સર્વોપરી છે ત્યારે દેશસેવામાં અમારાથી બનતી તમામ મદદ કરવાની ખાતરી આપું છું વાત જ્યારે દેશની આવે ત્યારે ધર્મને ભૂલીને અમે સેનાને મદદ કરીશું.
સ્વામિનારાયણ સંપ્રદાયના પૂજ્ય સ્વામી રામકૃષ્ણદાસજી
આતંકવાદ સમગ્ર માનવતાનો વિરોધી છે ત્યારે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સબળ નેતૃત્વ આપણી સેના દુશ્મનોને જે જવાબ આપી રહી છે તેની સાથે આજે સમગ્ર દેશ ઊભો છે. આતતાઈનો વધ નિશ્ચિત છે ત્યારે યુદ્ધમાં જેમ હનુમાનજીએ અર્જુનના રથ પર બિરાજમાન થઇને લડવા માટે શક્તિ આપી હતી તેમ ભારતીય સેનાના પણ હનુમાનજી શક્તિ આપે તેવી પ્રાર્થના કરું છું.
શીખ સમુદાયના પ્રતિનિધિ રાજપાલસિંઘ
સૌ પ્રથમ આપણે ભારતીય છીએ. આપણે બધા હંમેશા સરકાર અને સેનાની સાથે છીએ. યુદ્ધ એ કલ્યાણ નથી પણ આતંક વિરુદ્ધ જવાબ આપવો તે આપણો ધર્મ છે.અનેકતામાં એકતા એજ ભારતની વિશેષતા રહી છે ત્યારે આ પરિસ્થિતિમાં એકતા બનાવી રાખવી આપણા સૌની પ્રથમ ફરજ છે.