સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા 14 નિવૃત્ત આર્મીમેનને પાણીચુ અપાયુ
અન્ય સ્થળે પણ ફરજ બજાવતા હોવાથી તબીબી અધિક્ષક દ્વારા છૂટા કરાયા
સિવિલ હોસ્પિટલમાં સુરક્ષા વ્યવસ્થા માટે ભરતી કરાયેલા નિવૃત આર્મીમેન અન્ય સ્થળે ફરજ પણ બજાવતા હોવાનું સામે આવતા આવા 14 નિવૃત આર્મીમેનને તાત્કાલીક અસરથી તબીબી અધિક્ષકે છુટા કરી દીધા છે અને હવે આગામી સપ્તાહે નવી ભરતી પ્રક્રિયા કડક નિયમો સાથે કરવામાં આવશે.
સિવિલ હોસ્પિટલમાં તબીબો ઉપર થતાં હુમલાને પગલે તબીબોની સુરક્ષા માટે નિવૃત આર્મીમેનની ભરતી કરવામાં આવી હતી. હોસ્પિટલના સ્ટાફ માટે કુલ 30 નિવૃત આર્મીમેનને ફરજ ઉપર રાખવામાં આવ્યા હતાં. છેલ્લા ચાર મહિનાથી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા આ નિવૃત આર્મીમેન સિવિલ હોસ્પિટલ ઉપરાંત અન્ય સ્થળે પણ ફરજ બજાવતા હોવાનુ તંત્રને ધ્યાને આવ્યું હતું. જેને પગલે તબીબી અધિક્ષકે આ મામલે તપાસના આદેશ આપ્યા હતાં. જેમાં 30માંથી 14 જેટલા નિવૃત આર્મીમેન સિવિલ હોસ્પિટલ ઉપરાંત અન્ય સિક્યોરીટી એજન્સીમાં અન્ય સ્થળે ફરજ બજાવતા હોવાનું જાણવા મળતા આ 14 નિવૃત આર્મીમેનને તાત્કાલીક છુટા કરી દેવામાં આવ્યા છે. ખાલી પડેલી આ જગ્યાઓ ઉપર આગામી સપ્તાહે નવી ભરતી પ્રક્રિયા કરવામાં આવસે. આ મામલે નવી ભરતી પ્રક્રિયામાં સ્પષ્ટપણે એક સ્થળે જ ફરજ બજાવવાનો નિયમ અમલમાં રહેશે જેથી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવનાર નિવૃત આર્મીમેન અન્ય કોઈ બીજી એજન્સી સાથે જોડાશે નહીં કે, અન્ય કોઈ સ્થળે રાત્રી કે દિવસ દરમિયાન ફરજ બજાવી શકશે નહીં.