ઘંટેશ્ર્વર વિસ્તારમાં 4 દિ’થી પાણી બંધ, દેકારો
વોટરવર્કસની 600 ડાયામીટરની મુખ્ય લાઇન બબ્બે વખત તૂટતા તંત્ર ઘાંઘુ થયું, આજે સાંજથી વિતરણ વ્યવસ્થા રાબેતામુજબ થવાની સંભાવના
શહેરમાં મહાનગરપાલિકાએ વર્ષો પહેલા નાખેલી પીવાના પાણીની પાઇપલાઇન મોટાભાગની જર્જરિત થઇ જતા લાઇન લોસ અને ધીમાફોસથી પાણી આવવાની ફરિયાદો મોટાભાગના વોર્ડમાંથી શરૂ થતા છેલ્લા બે વર્ષથી અબજો રૂપિયાના ખર્ચ તૂટે નહીં તેવી ડીઆઇ પાઇપ લાઇન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જે પૂર્ણતાના આરે છે. આ પ્રકારની લાઇનો ભારે પ્રેસરથી અથવા ઉપરથી દબાણ આવે તો પણ તૂટતી નથી તેવુ તંત્રએ જણાવેલ છતાં બે દિવસ પહેલા નવા રીંગરોડ ઉપર 600 ડાયામીટરની મુખ્ય પાણીની ડીઆઇ લાઇન તૂટતા તેમજ રીપેરીંગ કર્યા બાદ ફરી વખત તૂટી જતા છેલ્લા ચાર દિવસથી ઘંટેશ્ર્વર વિસ્તારની અનેક સોસાયટીમાં પીવાનું પાણી ન મળતા દેકારો બોલી ગયો હતો. હાલ સમારકામ ચાલુ હોય સાંજથી રાબેતામુજબ વિતરણ વ્યવસ્થા થઇ જશે તેમ તંત્રએ જણાવ્યું હતુ.
મહાનગરપાલિકા દ્વારા નાખવામાં આવતી ડીઆઇ પાઇપલાઇન સોલીડ હોવાનું તંત્રએ અગાઉ જણાવ્યું છે. તેમજ તેની આવરદા વધુ હોવાનુ અને આ લાઇન તૂટે નહીં તેવુ પણ જણાવેલ છતાં નવા 150 ફૂટ રીંગરોડ પર સ્માર્ટસિટીની બાજુમાં ઇએસઆરથી પાણી સપ્લાય કરતી 600 ડાયામીટરની પાઇપ લાઇન બે દિવસ પહેલા કોઇ કારણોસર ડેમજ થતા તાત્કાલીક પાણીનો પ્રવાહ બંધ કરવામાં આવેલ અને રીપેરીંગ કામ પૂર્ણ કરી વિતરણ વ્યવસ્થા શરૂ થાય તે પહેલાજ ફરી વખત લાઇનમાં ભંગાણ થતા ડીઆઇ પાઇપ લાઇની મજબુતાઇ ઉપર સવાલો ઉભા થયા છે.સતત બે બે વખત લાઇન તૂટતા ઘંટેશ્ર્વર વિસ્તારની સોસાયટીઓ તેમજ એસઆરપી કેમ્પ સાઇટનો વિસ્તાર અને વર્ધમાન નગર સાઇટની સોસાયટીઓમાં છેલ્લા ચાર દિવસથી પાણી વિતરણ બંધ રહેલ પ્રથમ વખત લાઇન તૂટીયા બાદ તંત્ર દ્વારા પાણી કાપ અંગેની જાહેરત ન કરતા તેમજ બીજી વખત લાઇન તૂટતા સળગ ચાર દિવસ પાણી વિતરણ બંધ રહેતા આ વિસ્તારમાં દેકારો બોલી ગયો છે.
ઘંટેશ્ર્વર એસઆરપીના ઇએસઆરમાંથી વોર્ડ નં1ના તથા વોર્ડનં.3ના અનેક વિસ્તારોમાં પીવાનુ પાણી સપ્લાય કરતી 600ડાયામીટરની ડીઆઇ પાઇપ લાઇનમાં બે બે વખત ડેમજ થતા તંત્ર દોડતુ થઇ ગયુ હતુ. વોટરવર્કસ વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ આજ સવારથી મરમમતનુ કામ શરૂ કરવામાં આવ્યુ છે. જે બપોર બાદ પૂર્ણ થઇ જશે જેથી જે વિસ્તારોમાં ચાર વાગ્ય પછી પાણી વિતરણ થતુ હશે તેવા વિસ્તારોને સમય મુજબ પાણી વિતરણ કરવામાં આવશે.