યાજ્ઞિક રોડ ઉપર પાણીની રેલમછેલ
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ગજેન્દ્રસિંહ ઝાલા (પ્રમુખ શહેર કોંગ્રેસ ફરિયાદ સેલ) ની યાદી જણાવે છે કે રાજકોટ મહાનગરપાલિકા વોર્ડ નંબર 7માં યાજ્ઞિક રોડ પર વિવેકાનંદના સ્ટેચ્યુ પાસે અને તેની બાજુમાં માર્ગ અને મકાન વિભાગની ઈજનેર કચેરી પાસે છેલ્લા બે ત્રણ દિવસથી પાણીની વાલ્વ ચેમ્બરો માંથી પાણી ફુવારા માફક વછૂટતું હોય ત્યારે કોંગ્રેસ પ્રવક્તા ને આ અંગે જાણ થતાં રૂબરૂ સ્થળ પર દોડી જઇ રાજકોટ મહાનગરપાલિકાના કોલ સેન્ટરમાં 25008235 નંબરથી ફરિયાદ કરી વોર્ડના ડેપ્યુટી ઇજનેર મધુ ગાંવિત સાથે પાણીની વાલ્વ ચેમ્બરોમાંથી વછૂટતા પાણીના ધોધ તાત્કાલિક બંધ કરાવવા ફરિયાદ કરવામાં આવી.
વધુમાં આ અંગે જાણવા મળ્યા મુજબ બે થી ત્રણ દિવસથી પાણીનો વેડફાટ થતો હોય ત્યારે તંત્ર ઊંઘમાં છે કે અંધારામાં, પાણીની વાલ્વ ચેમ્બરો ખોલનાર વાલ્વ મેન આ બાબતે વાકેફ નથી કે કેમ ? યાજ્ઞિક રોડ પર રામકૃષ્ણ આશ્રમ પાસેના વિવેકાનંદજીના સ્ટેચ્યુ થી લઈ છેક માલવીયાચોક સુધી પાણીની રોજિંદી થતી રેલમછેલ, મુખ્ય રસ્તા પર પાણી નદીની માફક વહી રહ્યું છે ત્યારે તાત્કાલિક આ અંગે મરામત કરવા રાજકોટ મહાનગરપાલિકાના તંત્રને ગજુભા દ્વારા ફરી એક વખત ઢંઢોળવામાં આવ્યું છે.