મિલ્કતવેરો બાકી હોય તેવા 2 લાખ આસામીઓના નળ જોડાણ કપાશે
ડીઆઈ લાઈનમાંથી નવા કનેક્શન આપવા માટે મિલ્કત વેરાની રસીદની નકલ જમા કરાવવાનો નિયમ અમલમાં આવતા બાકીદારોમાં દોડાદોડી
મહાનગરપાલિકાની કરોડરજ્જુ સમાન મિલ્કતવેરાની આવકનો લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે આખુ વર્ષ રિકવરી ઝુંબેશ હાથ ધરાય છે. જે અંતર્ગત બાકીદારોની મિલ્કતો સીલ કરવાની તેમજ રહેણાકના નળ જોડાણો કાપવા સહિતના પગલા લેવાઈ રહ્યા છે. છતાં દરવર્ષે અંદાજે બે લાખથી વધુ બાકીદારો સમયસર મિલ્કતવેરો ભરતા ન હોવાથી હવે ડીઆઈ પાઈપલાઈનમાંથી જૂનાની જગ્યાએ નવા નળ જોડાણો આપતી વખતે કડક નિયમ અમલમાં મુકવામાં આવ્યો છે. જે મુજબ નળ કનેક્શન લેનાર આસામીઓએ ગત વર્ષ સુધીનો વેરો ભરપાઈ કર્યો હોવાની રસીદ અધિકારીને આપવી પડે છે. આથી બે લાખથી વધુ બાકીદારો કે જેઓનો વર્ષોથી વેરો બાકી છે તેમને નળ જોડાણો મળશે નહીં તેમ જાણવા મળેલ છે.
શહેરના મોટાભાગના વોર્ડમાં ડીઆઈપાઈપલાઈન નાખવાની કામગીરી પૂર્ણ થવા આવી છે. અને અનેક વોર્ડમાં જૂના નળ જોડાણોના સ્થાને નવા નળ કનેક્શન આપવાનો પ્રારંભ કરાયો છે. વોટરવર્કસ અને વેરાવિભાગ દ્વારા સંયુક્ત કામગીરી હાથ ધરી જૂના નળ જોડાણ ધરાવતા આસામીએ ડીઆઈ પાઈપલાઈનમાંથી નળ કનેક્શન લેવા માટે મિલ્કતવેરો છેલ્લા વર્ષનો ભરેલો ફરજિયાત બનાવવામાં આવ્યો છે.
અને નળ જોડાણ આપતી વખતે અધિકારી દ્વારા મિલ્કતવેરાની છેલ્લી રસીદની ઝેરોક્ષ માંગવામાં આવી રહી છે. આ મુદ્દે વોટરવર્કસ વિભાગમાંથી જાણવા મળેલ કે, મિલ્કતવેરાની રસીદ ન આપનાર આસામીને ડીઆઈપાઈપલાઈનમાંથી નળ જોડાણ મળશે નહીં તેમજ જૂની લાઈન બંધ કરવામાં આવશે ત્યારથી આ પ્રકારના મિલ્કતધારકોનું પાણી બંધ થઈ જશે. આથી આ નિયમની અમલવારી શરૂ કરતા દર વર્ષે બાકી રહેતા અંદાજે બે લાખથી વધુ બાકીદારોમાં દોડધામ મચી ગઈ છે. તેવી જ રીતે હાલમાં ડીઆઈપાઈપલાઈનમાંથી નળ જોડાણ આપતી વખતે છેલ્લા મિલ્કતવેરા ભર્યાની રસીદ માંગવામાં આવી રહી છે. જેમાં પણ અનેક સ્થળે માથાકુટ થઈ હોવાનું જાણવા મળેલ છે.
ડીઆઈ પાઈપલાઈનમાંથી નવુ નળ જોડાણ મેળળવવા માટે છેલ્લા વર્ષનો મિલ્કતવેરો ભરપાઈ કરેલો હોવો જોઈએ અને તેની રસીદ જમા કરાવ્યા બાદ નળ જોડાણ આપવામાં આવી રહ્યું છે. પરંતુ અનેક ભાડુઆતો કે જેઓને મિલ્કતવેરો મકાનમાલીકે ભરેલ છે કે નહીં તેની માહિતી નથી તેમજ અમુક પરિવારોના મોભીઓ બહારગામ હોવાથી મિલ્કતવેરા અંગેની જાણકારી ન હોય અનેક ઘરોમાં નળ જોડાણો આપતી વખતે પરિવારો દ્વારા આ બાબતે અમને ખબર નથી તેવો અધિકારીઓને કહેવામાં આવી રહ્યુ છે. અને નવું નળ જોડાણ ન મળવાના કારણે માથાકુટો પણ થયાનું જાણવા મળેલ છે.
તંત્ર પાસે બાકીદારોનું લિસ્ટ છે છતાં રસીદનો આગ્રહ શા માટે
શહેરમાં ડીઆઈ પાઈપલાઈનમાંથી જૂનાની જગ્યાએ નવાનળ જોડાણો આપવા માટે આસામીઓ પાસેથી છેલ્લા વર્ષનો મિલ્કતવેરો ભર્યાની રસીદ માંગવામાં આવી રહી છે. પરંતુ ઘરે પુરુષ વર્ગ હાજર ન હોવાથી મિલ્કતવેરો ભરપાઈ કર્યો છે કે કેમ અથવા ઓનલાઈન વેરોભર્યો હોય ત્યારે વેરાની રસીદ હાજર હોતી નથી. ત્યારે તેની ઝેરોક્ષ કઈ રીતે આપવી તે બાબતે માથાકુટ શરૂ થઈ ચુકી છે. જેની સામે અમુક જાણકાર લોકો અધિકારીઓને સવાલ કરી રહ્યા છે કે, મિલ્કતવેરો ભરેલ ન હોય તેનું લીસ્ટ લઈને બાકીદારોના નળ જોડાણો કાપવામાં આવી રહ્યા છે તો આ લીસ્ટ મુજબ ખરાઈ કરી નવા નળ જોડાણો આપવા જોઈએ ન કે રસીદ માંગવાની હઠ પકડવી જોઈએ.
ચાલુ વેરાની રસીદ મગાતા સ્ટે. ચેરમેન સુધી ફરિયાદ
વોટરવર્કસ વિભાગ દ્વારા ડીઆઈ પાઈપલાઈનમાંથી નવા નળ જોડાણો આપવા માટે ચાલુ વર્ષનો મિલ્કતવેરો ભરપાઈ કર્યાની રસીદ માંગવામાં આવતી હતી. કામગીરીના પ્રથમ દિવસે ચાલુ વર્ષના વેરાની રસીદ મંગાતા અનેક વિસ્તારોમાં દેકારો બોલી ગયો હતો. કારણ કે, ચાલુ વર્ષનો મિલ્કતવેરો ભરવા માટે મનપા દ્વારા જ વેરા વળતર યોજના શરૂ કરવામાં આવી છે. જે પૂર્ણ થવાને હજુ બે માસ જેટલો સમય છે ત્યારે પ્રમાણીક કરદાતાઓ આ યોજનાનો લાભ આગામી માસે પણ લઈ શકે તેમ છે. છતાં ચાલુ વર્ષના વેરાની રસીદ માંગવાનો નિયમ અમલમાં મુકાયો જેનો વિરોધ કરી સ્ટે. ચેરમેન સુધી રજૂઆત થયાનું જાણવા મળેલ છે અને તેના કારણે જ હવે ગત વર્ષના વેરાની રસીદ માંગવામાં આવી રહી છે. તેવું ચર્ચાઈ રહ્યું છે.