પાટીદાર આંદોલન આનંદીબેનને હટાવવા માટે હતું?: કરશન પટેલનો ધડાકો
આંદોલન કરનારાઓએ માત્ર રાજકીય લાભ ઉઠાવ્યો, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
અનામત આંદોલનના 10 વર્ષ બાદ વરિષ્ઠ પાટીદાર ઉદ્યોગપતિના નિવેદનથી રાજકીય ખળભળાટ
પાટણમાં યોજાયેલ તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહમાં ઉદ્યોગપતિ કરસનભાઇ પટેલે પાટીદાર અનામત આંદોલન પર મૌન તોડ્યું હતું. પાટણના 42 લેઉવા પાટીદાર સમાજના હોલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરસન પટેલે આંદોલન અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
કરસનભાઇ પટેલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે પાટીદાર આંદોલનથી કોઈ નક્કર પરિણામ મળ્યું નથી, પરંતુ આંદોલન કરનારાઓએ માત્ર રાજકીય લાભ ઉઠાવ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે આ આંદોલનના કારણે લેઉવા પાટીદારની દીકરીને મુખ્યમંત્રીનું પદ છોડવું પડ્યું હતું. કરસન પટેલે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે શું આંદોલન ખરેખર અનામત માટે હતું કે કોઈને પદ પરથી હટાવવા માટે? તેમણે એમ પણ ભારપૂર્વક કહ્યું કે પટેલો પટેલોને કાઢે તે શક્ય નથી. કરસન પટેલના આ નિવેદનોએ રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે.
આ ઉપરાંત, કરસન પટેલે પાટણમાં વ્યાપક દારૂૂના દૂષણ પર પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પાટણમાં ખુલ્લેઆમ દારૂૂ વેચાઈ રહ્યો છે અને આજુબાજુના વિસ્તારોમાં દારૂૂના અડ્ડા ચાલી રહ્યા છે. તેમણે પાટણ યુનિવર્સિટીના દારૂૂ કાંડનો પણ ઉલ્લેખ કર્યો હતો અને દારૂૂના મામલે સમાજના બેવડા વલણ પર ટકોર કરી હતી. તેમણે કહ્યું કે લોકો સમાજ સુધારવા માટે સંમેલનો કરે છે અને દારૂૂ છોડાવવા માટે પ્રતિજ્ઞા લેવડાવે છે, પરંતુ સંમેલન પૂરું થયા પછી એ જ જગ્યા પર દારૂૂની મહેફિલ થાય છે.
કરસન પટેલના આ નિવેદનો સમાજમાં પ્રવર્તતી વાસ્તવિકતાને ઉજાગર કરે છે.ઉદ્યોગપતિ કરસન પટેલ દ્વારા પાટીદાર અનામત આંદોલન અંગે તાજેતરમાં આપવામાં આવેલા નિવેદનો પર પાટીદાર સમાજના વિવિધ નેતાઓએ પ્રતિક્રિયાઓ આપી છે અને કરસન પટેલના વિચારો સાથે અસહમતી વ્યક્ત કરી છે. અલ્પેશ કથીરિયાએ જણાવ્યું હતું કે સમાજથી જ કોઈપણ વ્યક્તિ હોય છે. કરસનભાઈ પટેલે આ પ્રકારના નિવેદનો ન આપવા જોઈએ. આંદોલન માટે યુવાનોએ ઘણું ભોગવ્યું છે.
નિવેદન યોગ્ય નથી: ગીતાબેન પટેલ
ગીતાબેન પટેલે કરસન પટેલના નિવેદન પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે કુંભકર્ણની નિંદ્રામાંથી બહાર આવીને કરસનભાઈએ આવું નિવેદન આપ્યું છે. આટલા મોટા ઉદ્યોગપતિનું આવું નિવેદન યોગ્ય નથી. આંદોલનથી સમાજને એક મોટો નેતા મળ્યો છે અને પાટીદાર સમાજને ઘણો ફાયદો થયો છે.
10 વર્ષ પછી કેમ બોલ્યા?: કિરીટ પટેલ
કિરીટ પટેલે કરસન પટેલના નિવેદનને વખોડતા જણાવ્યું હતું કે કરસનભાઈ પટેલને ઉંમરની અસર થઈ રહી છે. જ્યારે આંદોલન ચરમસીમા પર હતું ત્યારે તેઓ ક્યાં હતા? જો તેમને પાટીદારો પ્રત્યે પ્રેમ હતો તો આંદોલન સમયે બોલવું જોઈતું હતું. 10 વર્ષ પછી તેઓ કેમ બોલી રહ્યા છે? કરસનભાઈએ પૂરા કેસની પહેલા જાણકારી મેળવવી જોઈએ અને પોલીસ અધિકારીઓની બદલી પર પણ પહેલા જાણકારી મેળવવી જોઈએ. ઘણી વખત કોઈને પેટમાં દુખતું હોય અને માથું કુટે એવું છે.