ભાજપ-કોર્પોરેશન દ્વારા યોજાશે વોર્ડવાઈઝ લોકદરબાર
શહેર ભાજપ પ્રમુખે પદાધિકારીઓ સાથે બેઠક યોજી લોકોની ફરિયાદોનો સ્થળ પર નિકાલ કરવાનો એક્શન પ્લાન બનાવ્યો
રોજ સવારે 9થી 11 વાગ્યા સુધી અધિકારીઓ સાથે કોર્પોરેટરો અને પદાધિકારીઓ બેસી લોકોના પ્રશ્ર્નો સાંભળશે
શહેરીજનોની રોડ-રસ્તા, પીવાનું પાણી, ડ્રેનેજ સહિતની પાયાની સુવિધાઓમાં સમસ્યા સર્જાઈ ત્યારે કોલ સેન્ટરમાં ફરિયાદ નોંધાવવામાં આવે છે. પરંતુ આ ફરિયાદનો હલ મોટેભાગે આવતો ન હોય અથવા દિવસો સુધી રાહ જોવી પડે છે. જેના કારણે ભાજપ દ્વારા લોકોની ફરિયાદનો સ્થળ ઉપર નિકાલ કરવાનો નિર્ણય લઈ ગઈકાલે પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે બેઠક યોજી વોર્ડવાઈઝ લોકદરબાર યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દરેક વોર્ડમાં સવારે 9થી 11 લોકદરબાર યોજી લોકોની ફરિયાદોનું સ્થળ ઉપર નિકાલ કરવામાં આવશે.
તંત્ર દ્વારા સેવાસેતુ કાર્યક્રમ યોજી લોકોના દરેક કામ તેના ઘર આંગણે કરવામાં આવી રહ્યા છે. પરંતુ કોર્પોરેશનને લગતી તમામ પ્રકારની ફરિયાદોનો સમયસર નિકાલ ન થવાથી લોકોને ભારે હાલાકી વેઠવી પડે છે.કોલ સેન્ટરની વ્યવસ્થા ઉપલબ્ધ છે પરંતુ કોલ સેન્ટરમાં ફરિયાદ નોંધાયા બાદ દિવસો સુધી આ ફરિયાદોનો કોઈ નીવેડો આવતો નથી. બીજી તરફ ઝોન કચેરી કે વોર્ડ ઓફિસે ફરિયાદ સાંભળવાવાળા જવાબદાર અધિકારીઓ હાજર નથી હોતા.જેને કારણે લોકોની મુસીબત સતત વધી રહી છે. શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશીએ શહેરના તમામ 18 વોર્ડમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને સાથે રાખી લોક દરબાર યોજવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળી રહ્યો છે.આ સંદર્ભે આજે સાંજે છ કલાકે શહેર ભાજપ કાર્યાલય ખાતે કોર્પોરેશન મુખ્ય પાંચેય પદાધિકારી મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઇ ઠાકર, શાસક પક્ષના નેતા લીલુંબેન જાદવ અને શાસક પક્ષના દંડક મનીષભાઈ રાડીયા સાથે બેઠક યોજવામાં આવશે.જેમાં એક સપ્તાહમાં શહેરનું તમામ વોર્ડમાં લોક દરબાર યોજાઈ તેવું આયોજન ઘડી કાઢવામાં આવશે.રોજ સવારે 9:00 થી લઈ 11:00 વાગ્યા સુધી લોક દરબાર યોજવામાં આવશે. જેના કારણે કોર્પોરેશનની રૂૂટીન કામગીરી પર કોઈ અસર ન પડે. આ લોક દરબારમાં જે તે ઝોનના ડીએમસી, સીટી એન્જિનિયર,વોર્ડ ઓફિસર સહિત તમામ જવાબદાર અધિકારીઓને સાથે રાખવામાં આવશે. મુખ્ય પદાધિકારીઓ ઉપરાંત વોર્ડના ચારેય કોર્પોરેટરો, પક્ષના સંગઠન હોદ્દેદારો પણ લોકદરબારમાં જોડાશે.
લોકદરબાર દરમિયાન આવેલી ફરિયાદોનો સ્થળ પર જ ત્વરિત નિકાલ કરી દેવામાં આવશે જો ફરિયાદ હલ થઈ શકે તેમ ન હોય તો પાંચ સભ્યોની એક સમિતિ બનાવવામાં આવશે. આ સમિતિ દ્વારા નિયત કરાયેલા સમયમાં ફરિયાદનો નીવેડો આવી જાય તેવા પ્રયત્ન કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે તત્કાલીન મેયર ધનસુખભાઈ ભંડેરી દ્વારા નસ્ત્રમેયર આપના દ્વારેસ્ત્રસ્ત્ર શીર્ષક અંતર્ગત લોક દરબાર યોજવાની પ્રણાલી શરૂૂ કરવામાં આવી હતી. જેમાં ખુદ મેયર દરેક વોર્ડમાં જતા હતા અને લોક દરબાર યોજી લોકોની ફરિયાદો જાણતા હતા અને તેનો નિકાલ કરતા હતા. છેલ્લા ઘણા સમયથી આ પ્રકારનું પ્રજાલક્ષી આયોજન કરવામાં આવતું નથી દરમિયાન શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશીએ હવે ફરી આ અભિગમ શરૂૂ કરવાનો નિર્ણય લીધો છે. આગામી દિવસોમાં કયાં વોર્ડમાં ક્યારે લોક દરબાર યોજાશે તેનો સત્તાવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવશે. માત્ર ભાજપ નહીં પરંતુ કોંગ્રેસના કોર્પોરેટરોના વોર્ડમાં પણ લોકદરબાર યોજી સમસ્યાનો નિવેડો લાવવા માટેની પ્રયાસ કરવામાં આવશે.શક્ય હશે તો મ્યુનિસિપલ કમિશનરને પણ લોકદરબાર માં હાજર રહેવા માટે ફરજ પાડવામાં આવી શકે છે.