વાંકાનેર: મેસરિયા સહકારી મંડળીની ચૂંટણીમાં ડખો, મારામારી બાદ કારમાં આગ લગાડાઇ
પ્રમુખ અને ઉપપ્રમુખ માટે બન્ને જૂથ વચ્ચે લોબિંગ બાદ મારામારી, બેને ઇજા
મેસરીયામાં સહકારી મંડળીના પ્રમુખની ચૂંટણીમાં મારામારી બાદ કારમાં આગ ચાંપી. વાંકાનેર તાલુકાની મેસરીયા ગામે મેસરિયા જુથ સેવા સહકારી મંડળીમાં આજે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી સમયે રાજકીય માહોલ ગરમાયો છે, જેમાં બંને પેનલો પાસે સાત- સાત ઉમેદવાર હોવાથી હોદ્દેદારોની વરણી સમયે મારામારીનો બનાવ બન્યો હતો, જેમાં ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા બાદ મારામારીના બનાવની વાત વાયુ વગર ફેલાઈ હતી. આ ઘટનાથી ગ્રામજનો ભડક્યા હતા અને એક ગાડીને આગ ચાંપી દીધી હતી.
આ બનાવની મળેલ માહિતી મુજબ વાંકાનેર તાલુકાના મેસરીયા ગામ ખાતે આવેલ શ્રી મેસરીયા જૂથ સેવા સહકારી મંડળીની તાજેતરમાં યોજાયેલ ચૂંટણી બાદ આજરોજ પ્રમુખ-ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોય, જેમાં કુલ 14 સભ્યોમાંથી બંને પેનલો પાસે સાત-સાત સભ્યો હોય, જેના કારણે બંને પક્ષોએ પ્રમુખ-ઉપપ્રમુખની વરણી માટે પૂરી તાકાત લગાવ્યા બાદ આજરોજ યોજાયેલ ચૂંટણીમાં એક પક્ષ દ્વારા સામેની પેનલના ઉમેદવાર માટે લોબિંગ કરવાનો પણ પ્રયાસ કર્યો હોય, જે નિષ્ફળ જતા મારામારીનો બનાવ સામે આવ્યો છે, જેમાં બે કરતાં વધારે લોકોને ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી તેમને રાજકોટ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે આવેલી શ્રી મેસરીયા જૂથ સેવા સેવા સહકારી મંડળી લી ની તાજેતરમાં ચૂંટણી યોજાઈ હતી જેમાં બંને જૂથના સાત સાત સભ્યો ચૂંટાયા હતા.
આ મંડળીના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી આજે યોજવામાં આવી હતી. ચૂંટણી પૂર્વે ભારે રસાકશી હતી અને વાતાવરણ પણ તંગ હતું, શું થશે? એવા પ્રશ્ન વચ્ચે વ્યવસ્થાપક કમિટીના ચૂંટાયેલા 14 સભ્યો અને આરડીસી બેંકના પ્રતિનિધિ આમ કુલ 15 સભ્યોની મંડળીની ઓફિસમાં બેઠક થઈ હતી. જેમાં બેંકના પ્રતિનિધિ બાબતે ચર્ચાઓ થઈ હતી પરંતુ અંતે બને જૂથને વચ્ચે વારાફરતી એક એક ટર્મ પ્રમુખપદ આપવાની બાબતે સમાધાન થયું હતું. જેમાં પ્રથમ ટર્મમાં પ્રમુખ તરીકે ધીરુભાઈ વશરામભાઈ રાઠોડને અને બીજી ટર્મમાં દેવકુભાઈ જગુભાઈ સર્વાનુમતે નક્કી થયા હતા.
આમ મંડળીની ઓફિસની અંદર સમાધાન થયું અને બને ટર્મ માટે સર્વાનુમતે બંને આગેવાનના નામ નક્કી થયા હતા, જ્યારે મંડળીની ઓફિસની બહાર ટેકેદારોમાં ડખો થયો હતો. જેમાં બે વ્યક્તિને ઇજાઓ થઈ હતી. આ સમાચાર ગામમાં ફેલાતા જ વાતાવરણ તંગ બની ગયું હતું અને એક કાર સળગાવવામાં આવી હતી. આ સમાચાર મળતા પોલીસ દોડી આવી હતી અને સ્થિતિને કાબુમાં લીધી હતી.