વાંકાનેરની યુવતીએ અમરાપર ગામ પાસે ઝેર પી કર્યો આપઘાતનો પ્રયાસ
અમરાપરનો શખસ સોનાની બુટી લઈ જતાં પગલું ભર્યાનો આરોપ
વાંકાનેરમાં રહેતી પરિણીતાએ અમરાપર ગામના બોર્ડ પાસે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. અમરાપર ગામનો શખ્સ સોનાની બુટી લઈ જતા પગલું ભર્યું હોવાના આક્ષેપ સાથે પરિણીતાને સારવાર માટે ખસેડવામાં આવી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ વાંકાનેરમાં રહેતી લક્ષ્મીબેન વેલાભાઈ કંબોયા નામની 35 વર્ષની પરિણીતા સવારના અગિયારેક વાગ્યાના અરસામાં અમરાપર ગામના બોર્ડ પાસે હતી ત્યારે ઝેરી દવા પી લીધી હતી પરિણીતાને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
પ્રાથમિક પૂછપરછમાં લક્ષ્મીબેન કંબોયાના 10 વર્ષ પહેલા લગ્ન થયા હતા અને તેણીને સંતાનમાં બે પુત્ર અને ત્રણ પુત્રી છે અને હાલ કારખાનામાં મજૂરી કામ કરે છે અમરાપર ગામે રહેતો દેવા કોળી નામનો શખ્સ લક્ષ્મીબેન કંબોયાની બુટી લઈ ગયો હતો જેથી લક્ષ્મીબેન ઘરેથી નીકળી ગયા બાદ અમરાપર ગામના બોર્ડ પાસે ઝેરી દવા પી લીધી હતી પરિવાર શોધખોળ કરતો હતો તે દરમિયાન 108 ના સ્ટાફે લક્ષ્મીબેન કંબોયાએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની પરિવારને જાણ કરતા પરિવાર પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે વાંકાનેર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.