રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

વાવમાં 5 ટકા વોટિંગ વધ્યું, 15 હજાર વધારાના મત નક્કી કરશે હાર-જીત

03:56 PM Nov 14, 2024 IST | admin
Advertisement

2022માં અપક્ષ ઉમેદવાર અમીરામ અસાલે 27 હજાર મત ખેંચી ભાજપનો ખેલ બગાડયો હતો, આ વખતે ભાજપમાં જ બળવાખોર માવજી પટેલના દાવ ઉપર નજર

Advertisement

પેટા ચૂંટણીમાં સરેરાશ 69.50 ટકા મતદાન નોંધાયું, 23મીએ પરિણામોમાં ભાજપ-કોંગ્રેસ અને માવજીભાઇના પાણી મપાઇ જશે

બનાસકાંઠા જિલ્લાની વાવ બેઠકની ગઇકાલે યોજાયેલ પેટાચુંટણીમાં 69.50 ટકા મતદાન નોંધાયુ છે. 2022માં યોજાયેલ ધારાસભાની ચુંટણીમાં આ બેઠક ઉપર 64.29 ટકા મતદાન નોંધાયુ હતું જયારે પેટા ચુંટણીમાં મતદાન પાંચ ટકા વધ્યુ છે.આ વધારાના 15 હજાર મત પરિણામમાં નિર્ણાયક બનવાની શકયતા છે. સાથો સાથ 2022ની ચુંટણીમાં અપક્ષ ઉમેદવાર અમીરામ અસાલ 27 હજાર મત લઇ ગયા હતા. જયારે કોંગ્રેસના ગેનીબેન ઠાકોર 16 હજાર મતે જીત્યા હતા. ભાજપને હરાવવામાં આ અપણ ઉમેદવાર નિમિત બન્યા હતા.ગઇકાલે યોજાયેલ પેટાચુંટણીમાં પણ ભાજપના બળવાખોર અપક્ષ ઉમેદવાર માવજી પટેલ હાર-જીત માટે નિર્ણાયક ફેકટર બને તેવી શકયતા છે.

2022ની ચુંટણીમાં ભાજપે 182માંથી 156 બેઠકો જીતી હતી. પરંતુ વાવ બેઠક ઉપર કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે પોતાનો દબદબો સ્થાપિત કરી વિજય મેળવ્યો હતો. ત્યારબાદ ગેનીબેન ઠાકોરે લોકસભાની ચૂંટણીમાં પણ બનાસકાંઠા બેઠક ઉપરથી વિજય મેળવી ભાજપને જબરો તમાચો માર્યો હતો.

હવે વાવની પેટાચુંટણીમાં કોંગ્રેસને હરાવી બદલો લેવા ભાજપે તમામ તાકાત કામે લગાડી દીધી હતી. જયારે કોંગ્રેસ માટે પણ આ બેઠક અસ્તીત્વનો સવાલ છે. તો પાટીલનું પાણી ઉતારવાની વાત કરનાર અપક્ષ ઉમેદવાર માવજી પટેલ પણ છાતી ઠોકીને પોતાની જીતનો દાવો કરી રહ્યા છે.

આ બેઠક ઉપર ગેનીબેન ઠાકોરની આબરૂ દાવ ઉપર લાગી છે. લોકસભાની એક બેઠક જીતી ભાજપને તમાચો મારનાર ગેનીબેનને વાવની બેઠકમાં વળતો તમાચો મારવા ભાજપે કોઇ કચાસ છોડી નથી પરંતુ માવજી પટેલ ભાજપના મત તોડે છે કે, કોંગ્રેસના તેની ઉપર હારજીતનો મદાર જણાય છે. આગામી તા.23મી નવેમ્બરે પરિણામ છે ત્યારે દુધનું દુધને પાણીનું પાણી થઇ જશે.

વાવ વિધાનસભાની પેટાચૂંટણી માટે ગઇકાલે મતદાન યોજાયું હતું જેમાં આ મતક્ષેત્રના મતદારોએ મતપર્વ ઉજવ્યું હોય તેમ સાંજે છ વાગ્યા સુધી અંદાજે 69.50 ટકા જેટલું મતદાન થયું હતું. આ ચૂંટણીમાં ભાજપ-કોંગ્રસ અને અપક્ષ મળી 10 ઉમેદવારો મેદાને હતા જે પૈકી મુખ્યત્વે આ મુકાબલો ભાજપ-કોંગ્રેસ અને ભાજપથી નારાજ થઈ અપક્ષમાં ઉમેદવારી નોંધાવનારા માવજીભાઈ પટેલ વચ્ચે જોવા મળ્યો હતો.જેમનું ભવિષ્ય ઇવીએમમાં સીલ થઈ ગયું છે. હાલ તો ભાજપ, કોંગ્રેસ સહિત અપક્ષ ઉમેદવાર જીતના દાવા કરી રહ્યાં છે. હવે આ બેઠક પર કોણ વિજેતા બનશે તે આગામી 23મી નવેમ્બરે મતગણતરીના દિવસે ખબર પડશે. મતગણતરી પાલનપુરની જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે હાથ ધરવામાં આવશે.

વાવ વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત વિવિધ વાવ, સુઈગામ અને ભાભરનાં 192 મતદાન મથક કેન્દ્રો પર આવેલા કુલ 321 પોલીંગ સ્ટેશન પર સવારે 7.00 વાગ્યાથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂૂ થઈ હતી.
વહેલી સવારે 7 વાગ્યાથી જ મતદાન માટે લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. વાવ પેટા ચૂંટણીમાં યુવાથી લઈને વૃદ્ધ સૌ કોઈ લોકશાહીના પર્વમાં જોડાયા હતા. લોકશાહીનાં પર્વમાં અધિકાર માનીને 85 વર્ષીય ઓખીબેન વ્હીલ ચેરના સહારે મતદાન કરવા પહોંચ્યા હતા. વાવ વિધાનસભા વિસ્તારમાં જિલ્લા ચૂંટણી વિભાગ તરફથી વાવ પોલીસ સ્ટેશન પ્રાથમિક શાળા ખાતે બૂથ નંબર 7ને આદર્શ મતદાન મથક તરીકે ઊભું કરાયું હતું.
આ ચૂંટણીમાં સવારે વાવ તાલુકાના ભાખરી ગામે 140 કરતાં વધુ મતો થયાં બાદ ઇવીએમ ખોટવાયું હતું. જેને બદલવામાં આવ્યું હતું અને મશીન બદલાયા બાદ મતદાન ફરી રાબેતા મુજબ ચાલુ કરાયું હતું. તે સિવાય ઇવીએમને લઈ ખાસ સમસ્યા સર્જાઈ નહોતી.

ભાજપને આશીર્વાદ મળશે: સ્વરૂપજી ઠાકોરને આશા
વાવમાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે કહ્યું કે, લોકોએ પાર્ટીને આશીર્વાદ આપ્યા છે અને કમળ ખીલશે. તેમણે કહ્યું કે, અહીં સાત વર્ષથી ભાજપનું પ્રતિનિધિત્વ ન હોવાને કારણે અહીં જોઈએ એવો વિકાસ થયો નથી, સ્વાભાવિક છે કે જેમની સરકાર હોય તેમના કામ થતા હોય છે અને વિકાસ તરફ આગળ વધતા હોય છે.

કોંગ્રેસની એક તરફી જીત થશે: ગુલાબસિંહનો હુંકાર
કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ચૂંટણીમેદાનમાં ભાજપ અને અપક્ષ ઉમેદવાર પણ છે પરંતુ તેમને મુકાબલો મુશ્કેલ નથી લાગી રહ્યો અને કોંગ્રેસ એકતરફી જીતશે. તેમણે કહ્યું કે, લોકોએ ઉત્સાહ સાથે મતદાન કર્યું છે અને લાગે છે કે આ ઉત્સાહ કોંગ્રેસ પાર્ટી માટે છે. આ ઠાકોરની વધુ વસતી ધરાવતો પટ્ટો છે અને એવું લાગી રહ્યું છે કે ઠાકોર સમાજના 50 ટકાથી વધારે મતદારો કોંગ્રેસને મત આપી રહ્યા છે. ચૌધરી સમાજ ભાજપની મૂળ વોટબેન્ક છે એ અપક્ષ સાથે છે. અને તેનાથી કોંગ્રેસને ફાયદો થશે.

Tags :
banaskathaElectiongujaratgujarat news
Advertisement
Next Article
Advertisement