ગુજરાત ભાજપના અધ્યક્ષપદે વિશ્ર્વકર્માની તાજપોશી
ગાંધીનગર કમલમમાં ભવ્ય સ્વાગત, મહિલા કાર્યકરોએ કેસરી સાફા પહેરી ગરબા લીધા
મુખ્યમંત્રી- સી.આર. પાટીલ સહિતના નેતાઓની હાજરીમાં વિજય મુહૂર્તમાં વિધિવત ચાર્જ સંભાળ્યો
ગુજરાત ભાજપના નવા અધ્યક્ષ જગદીશ વિશ્ર્વકર્માની આજે બપોરે 12.39 વાગ્યાના વિજય મુહુર્તમાં વિધિવત તાજપોશી થઇ હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, પૂર્વ પ્રમુખ સી.આર. પાટીલ, સંગઠન મંત્રી રત્નાકાર તેમજ ભાજપના સાંસદો- ધારાસભ્યો અને રાજયભરમાંથી આવેલા અપેક્ષિત હોદેદારોની હાજરીમાં નવા પ્રમુખે ચાર્જ સંભાળ્યો હતો. આ સમયે ઉપસ્થિત તમામ આગેવાનોએ વિશ્ર્વકર્માને શુભેચ્છા પાઠવી હતી.
નવા પ્રદેશ પ્રમુખનો ચાર્જ સંભાળતા ગાંધીનગર કમલમ ખાતે ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો. ઢોલના ધબકારે આગેવાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
પ્રમુખ જગદીશ વિશ્ર્વકર્મા પોતાના નિવાસેથી 50 થી વધુ વાહનોના કાફલા સાથે કમલમ પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમની રેલીના રૂટ ઉપર ઢોલ-નગરા સાથે સ્વાગત કરાયું હતું તો મહીલા કાર્યકરોએ કેસરી સાફા સાથે ગરબા લઇ ઉજવણી કરી હતી. રસ્તામાં ઠેર ઠેર પ્રમુખનું સ્વાગત કરાયું હતું.
જગદીશ વિશ્ર્વકર્મા કમલમ ખાતે પહોંચ્યા ત્યારે સી.આર. પાટીલે તેમનું મોં મીઠુ કરાવી શુભકામના પાઠવી હતી. આજે ભાજપના નવા પ્રદેશ પ્રમુખ અમદાવાદ ખાતેના તેમના નિવાસેથી રેલી કાઢીને કમલમ પહોંચ્યા હતા. પરંતુ પોલીસ બંદોબસ્ત કે, ટ્રાફિકને લઇ કોઇ વ્યવસ્થા ન હોવાથી ઠેર ઠેર ટ્રાફીક જામ થયો હતો. કમલમ પહોંચતા પહેલા જગદીશ વિશ્ર્વકર્માએ કેમ્પ હનુમાન મંદિર ખાતે દર્શન કર્યા હતા.
આ પૂર્વે ભાજપ દ્વારા પ્રદેશ પ્રમુખપદ માટે જાહેર કરાયેલા ચુંટણી કાર્યક્રમ મુજબ ગઇકાલે શુક્રવારે ઉમેદવારી નોંધાવવાનો અને જરૂર પડે તો આજે મતદાન કરવામાં આવનાર હતું. પરંતુ અગાઉથી જ થયેલી ગોઠવણ મુજબ એકમાત્ર જગદીશ વિશ્ર્વકર્માનું જ ફોર્મ ભરાતા તેમને બિનહરીફ જાહેર કરાયા હતા.
મંત્રીમંડળનું વિસ્તરણ દિવાળી પહેલાં કે પછી?
રાજ્ય સરકારના સહકાર મંત્રી જગદીશ વિશ્ર્વકર્માની ભાજપના પ્રદેશ પ્રમુખ પદે વરણી થતા હવે ગુજરાત સરકારના પ્રધાન મંડળમાં વિસ્તરણની અટકળોએ જોર પકડયું છે અને સંભવત: દિવાળી પહેલા જ કેટલાક પ્રધાનો અથવા આખી સરકાર ઘરભેગી થાય અને નવા પ્રધાનોને લાલલાઇટની લોટરી લાગે તેવી શકયતા છે. જો કે, અમુક લોકો દિવાળી બાદ જ વિસ્તરણ થશે તેવો દાવો કરી રહ્યા છે.