ખોડલધામ મંદિરે વિસાવદરના ધારાસભ્ય ઇટાલિયાએ સમર્થકો સાથે કર્યા દર્શન
આમ આદમી પાર્ટીના ફાયરબ્રાન્ડ નેતા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા આજે તેમના કાર્યકરો અને સમર્થકોના વિશાળ કાફલા સાથે ખોડલધામ પહોંચ્યા હતા. ગત રાત્રિએ રાજકોટમાં સભા ગજવ્યા બાદ, આજે સવારે તેઓ સીધા કાગવડ પહોંચ્યા, જ્યાં ખોડલધામના ટ્રસ્ટી મંડળે તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું.
ખોડલધામના મુખ્ય દ્વારે પહોંચતાની સાથે જ દસ જેટલા ટ્રસ્ટીઓએ ઇટાલિયાને ફુલહાર પહેરાવી સન્માનિત કર્યા હતા. બેન્ડવાજાના સૂરો વચ્ચે તેમના સમર્થકોના જયઘોષ સાથે તેઓ માતાજીના દર્શન કરવા મંદિર તરફ આગળ વધ્યા હતા.મંદિરમાં ગોપાલ ઇટાલિયાએ માતાજીના દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી.
અહીં બ્રાહ્મણો દ્વારા તેમને કંકુ તિલક કરવામાં આવ્યું અને ખોડલધામ ટ્રસ્ટ તરફથી ખેસ પહેરાવીને તેમનું સન્માન કરવામાં આવ્યું. દર્શન બાદ મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે તેઓ અહીં માત્ર માતાજીના આશીર્વાદ લેવા આવ્યા છે.વિસાવદરના સૌ મતદાતાઓએ મને આશીર્વાદ આપ્યા અને ધારાસભ્ય બનાવ્યો. આજે સૌ પ્રથમ વખત અમારા કુળદેવી આઈ શ્રી ખોડિયાર માતાજીના દર્શન કરવા કાગવડ આવવાનું સૌભાગ્ય મળ્યું છે. અમે ગુજરાત માટે જે સંઘર્ષ કરીએ છીએ, એ સંઘર્ષના રસ્તા પરથી પાછા ન પડીએ અને ખેડૂતો, પશુપાલકો અને રત્નકલાકારો માટે અમારી લડાઈ ચાલુ રાખી શકીએ તેવા આશીર્વાદ માંગ્યા છે.
ગોપાલ ઇટાલિયાની આ મુલાકાતને તેમના સમર્થકો દ્વારા ખૂબ જ ઉત્સાહભેર વધાવી લેવામાં આવી હતી. ધારાસભ્ય બન્યા બાદ કુળદેવીના દર્શન કરીને તેમણે આગામી સમયમાં ગુજરાતના લોકો માટે સંઘર્ષ ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.