વીરપુર હાઈવેનો પુલ જર્જરિત હાલતમાં: દુર્ઘટનાનો ભય
જેતપુર-રાજકોટ નેશનલ હાઇવે પર યાત્રાધામ વીરપુર પાસે જેઠાબાપાના પુલ તરીકે ઓળખાતા પુલની હાલત અતિ જર્જરીત હોવાથી સ્થાનીક વાહન ચાલકોએ નવો પુલ બનાવવા માંગ કરી છે, એક બાજુ સમગ્ર રાજ્યભરના નેશનલ હાઈવેના રસ્તાઓ,બ્રિજો, પુલો એટલી હદે તૂટી ગયા છે કે રોડ રસ્તાઓ વાહન ચાલકોનો માથાનો દુ:ખાવો બન્યા છે,રોડ રસ્તાઓને લઈને અવારનવાર અકસ્માતના બનાવો બની રહ્યા છે, લોકોની અને વાહન ચાલકોની સલામતી માટે અનેક સવાલો ઉભા થયા છે, જ્યારે બીજી બાજુ સરકારે નવા મોટર વ્હીકલ એકટની અમલવારી કરીને વાહન ચાલકો પાસેથી રોજ લાખો કરોડો રૂૂપિયાનો દંડ વસૂલી રહ્યા છે.
ઉપરથી જ્યાં જોઈએ ત્યાં જાણે પડયા પર પાટુ મારતા હોય તેટલા ટોલ નાકાનો ટોલ ટેક્ષ ઉઘરાવવા ઉભા કરી દીધા છે. સરકારની મનસા જાણે વાહન ચાલકો ફરીથી ગાડા યુગમાં આવી જાય તેવી હોય તેવું લાગી રહ્યું છે,
આટલું ઓછું હોય તેમ કરોડો રૂૂપિયાનો ટોલ ટેક્ષ વસુલતા ટોલ નાકા પાસે રોડ,બ્રિજો, પુલો રીપેરીંગ કરાવાની હાઈવે ઓથોરીટીની જવાબદારી હોવા છતાંય રીપેરીંગની કંઈ કામગીરી કરવામાં આવતી નથી. જેમાં જેતપુર-રાજકોટ નેશનલ હાઈવે સિક્સ લેનનું કામ ગોકળ ગતિએ હાલ ચાલી રહ્યું છે ત્યારે યાત્રાધામ વીરપુર ગામ પાસે જેઠાબાપા મંદિર પાસેનો પુલ આ પુલ પરથી દરરોજ લાખો વાહનો પસાર થાય છે જેમને લઈને પુલ પરથી કોઈ હેવી વાહનો પસાર થાય ત્યારે પોપડાઓ પડે છે,વળી પુલ રેંલીગ પણ તૂટેલ હાલતમાં છે જ્યારે થોડા દિવસ પૂર્વે જ આ પુલ પાસે એક ટ્રક પુલ નીચે ખાબક્યો હતો જેથી ત્યાં પુલ રેલીંગ વગરનો થઈ ગયો છે. પુલ નીચેથી વીરપુર થી મેવાસા, જેપુર, હરિપુર, થોરાળા સહિતના 15 જેટલા ગામે જવાનો રસ્તો છે તેમજ વીરપુરના હજારો ખેડૂતો પણ આ પુલ નીચેથી પસાર થઈને પોતાના ખેતરે જાય છે.
સદભાગ્યે હજુ સુધી અકસ્માત સમયે પુલ ઉપરથી વાહન નીચે ખાબકતા સમયે નીચે પસાર થતા કોઈ લોકોને જાનહાની થઈ નથી.ત્યારબાદ આ પુલની જર્જરીત સ્થિતિની તંત્રને અવારનવાર રજુઆત કરવામાં આવી છે છતાં આજ દીવસ સુધી આ પુલ રીપેર ન કરી હાઈ વે ઓથોરિટી જાણે વડોદરા જેવી કોઈ મોટી જાનહાની થવાની રાહ જોતું હોય તેવું વાહન ચાલકો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે ત્યારે વાહન ચાલકો પાસેથી હાઇવે ઓથોરિટી દ્વારા મસમોટા ટોલ ટેક્ષ ઉઘરાવી સુવિધા નામે સાવ ઝીરો સાબિત થઈ છે ત્યારે હાઈવે ઓથોરિટી તંત્ર આ પુલને નવો બનાવે અથવા તો તૂટેલ જર્જરીત પુલને રેંલીગ સહિત સત્વરે રીપેરીંગ કરવા વાહન ચાલકોમાં માંગ ઉઠવા પામી છે.