મિલકતવેરા હપ્તા યોજનામાં નિયમોનું ઉલ્લંઘન: કોંગ્રેસ
બોર્ડમાં ઠરાવ મંજૂર થયા બાદ તુરંત અમલવારી થવી જોઈએ તેના બદલે લોકોની 231 મિલ્કત સીલ કરાઈ: સાગઠિયા
મહાનગરપાલિકા દ્વારા કોઈ પ્રજાલક્ષી નવી યોજનાઓ જાહેર થાય ત્યારે તેને સ્ટેન્ડીંગમાં મંજુરી આપી ઠરાવ જનરલ બોર્ડમાં રજૂ કરવામાં આવતો હોય છે. ઠરાવ મંજુર થતાં જ નિયમોની અમલવારી શરૂ કરવામાં આવે છે. પરંતુ મિલ્કતવેરા હપ્તા યોજનાની દરખાસ્ત સ્ટેન્ડીંગમાં મંજુર થયા બાદ બોર્ડમાં પણ ઠરાવ મંજુર થયો છે. છતાં વેરાવિભાગ દ્વારા તેની અમલવારી શરૂ કરવાના બદલે લોકોની મિલ્કતો સીલ કરી જપ્તીની નોટીસો આપવામાં આવી રહી છે. આથી નિયમ વિરુદ્ધ થતી કામગીરી ગેરકાયદેસર હોય અધિકારીઓ વિરુદ્ધ પગલા લેવામાં આવે તેવી માંગ કોંગ્રેસના કોર્પોરેટર વશરામભાઈ સાગઠિયા દ્વારા કરવામા આવી છે.
મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠિયા દ્વારા પ્રશ્ર્નો પુછવામાં આવેલ કે, બજેટમાં વેરા હપ્તાની યોજના કરી છે તે યોજના જનરલ બોર્ડમાં પસાર કરી છે તેમ છતાં કોર્પોરેશનના કર્મચારીએ વેપારીઓ અને સામાન્ય નાગરિકોને વેરા ભરવા દબાણ કરી સીલ મારે છે તો તેવા અધિકારીઓ ઉપર પગલા જનરલ બોર્ડમાં થયેલા ઠરાવના ઉલંઘન બદલ લેવા માંગો છો કે નથી તેવુ પુછતા તંત્ર દ્વારા રાજકોટ મહાનગરપાલિકા વેરા-વસુલાત શાખામાં વેરા હપ્તાની યોજના અંગેની જાહેરાત સ્ટેન્ડીંગ કમિટી દ્વારા બજેટ બોર્ડ અન્વયે કરવામાં આવેલ હતી. પરંતુ તેનો આનુષંગિક ઠરાવ કે વહીવટી મંજૂરી મળ્યેથી કાર્યવાહી કરી શકાય જે હજુ સુધી કોઇપણ લેખિત ઠરાવ રૂૂપે મળી આવેલ ન હોય.
જેથી રાજકોટ મહાનગર પાલિકા હાલ વેરા વસુલાતની કામગીરી નિયમાનુસાર કરવામાં આવે છે. તેમ જણાવ્યું છે છતાં જનરલ બોર્ડમાં ઠરાવ મંજુર થઈ ગયાના આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યા છે. તા. 1 એપ્રિલથી વેરાવિભાગ દ્વારા મિલ્કતવેરા હપ્તા યોજના અમલમાં મુકવામાં આવતી હોવાનું પણ જણાવ્યું છે.
વેરાવિભાગ દ્વારા કોંગ્રેસના પ્રશ્ર્નનો જવાબ આપી વધુમાં જણાવેલ કે, આ યોજના અમલમાં આવે તે પહેલા તા. 10-3-25 સુધીમાં કુલ 451 મિલ્કતોને નોટીસ આપેલ તેમજ 231 મિલ્કતો સીલ કરવામાં આવી છે.