કલ્યાણપુરમાં ખાનગી કંપનીની કથિત દાદાગીરી સામે ગ્રામજનોમાં ઉગ્ર રોષ
કલ્યાણપુર તાલુકાના ગુરગઢ ગામે ખાનગી કંપની દ્વારા કથિત રીતે બળજબરી પૂર્વક શરૂૂ કરવામાં આવેલા કામના વિરોધ સંદર્ભે ખાસ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. કલ્યાણપુર તાલુકા પંચાયતના પ્રમુખ તથા ગુરગઢ ગામના ગ્રામ પંચાયતના સરપંચ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં આ મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા.
ગ્રામજનોની આ મિટિંગમાં ગુરગઢ ગામમાં એક ખાનગી કંપની દ્વારા કામગીરી કથિત રીતે બળજબરીપૂર્વક કરવામાં આવે છે. તે બાબતે તાલુકા પંચાયતના પ્રમુખ સમક્ષ ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે આજથી આશરે છ મહિના પહેલા જ્યારે ગ્રામ પંચાયત સંપૂર્ણ વહીવટ સરકારી અધિકારી દ્વારા કરવામાં આવતો હતો, તે દરમિયાન આ ઉર્જા કંપનીને આ અધિકારી દ્વારા કંપની સાથે કહેવાતા વહીવટ કરીને આ કામગીરી માટે ગ્રામજનોની સહમતી વગર એન.ઓ.સી. આપી દેવામાં આવી હતી.
જે એન.ઓ.સી. દ્વારા કંપનીએ બળજબરીપૂર્વક ખેડૂતોના ખેતરમાં પસાર થવું, સરકારી ખરાબમાં પસાર થવું, ગૌચરમાંથી પસાર થવું, રસ્તાઓ કાઢવા વિગેરે બિન કાયદાકીય રીતે ખેડૂતો અને ગ્રામજનોને પરેશાન કરી, આ કામગીરીઓ કરવામાં આવે છે.
આ મિટિંગમાં ઉપસ્થિતિ દ્વારા નક્કી કરવામાં આવ્યું કે આ એન.ઓ.સી. તાત્કાલિક ધોરણે રદ કરવી અને આ કામ જ્યાં સુધી ગ્રામ પંચાયત અને ગુરગઢ ગામની સહમતિ ના હોય ત્યાં સુધી આ કામગીરી થવી ન જોઈએ અને જો આ કામગીરી બળપૂર્વક કરવામાં આવશે તો આગામી સમયમાં ગ્રામજનો દ્વારા આ બાબતે આંદોલન પણ કરવામાં આવશે જેવું આ સભામાં નક્કી કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે