જે સ્મશાનનો જિર્ણોધ્ધાર કરાવ્યો ત્યાં જ વિજયભાઇની અંતિમવિધિ
1996માં વિજયભાઇ રૂપાણી મેયર હતા ત્યારે રામનાથપરા સ્મશાનગૃહની કાયાકલ્પ કરવાની જવાબદારી સરગમ કલબને સોંપી હતી
રાજકોટના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મુખ્યમંત્રીનું વિમાન દૂર્ઘટનામાં નિધન થતા તેમણે જે સ્મશાનગૃહના જિર્ણોધ્ધાર માટે મંજુરી આપી હતી તે જ સ્માશાનગૃહમાં આજે તેમની અંતિમવિધિ થઇ રહી છે. શહેરના સૌથી જૂના રામનાથપરા સ્મશાનગૃહમાં સ્વ.વિજયભાઇ રૂપાણીની અંતિમ વિધિ પૂર્વે આ સ્મશાનગૃહનું સંચાલન સંભાળની સરગમ કલબના પ્રમુખ ગુણુભાઇ ડેલાવાળાએ કેટલાટ સંસ્મરણો ગાગોળ્યા હતા.
તેમણે જણાવ્યું હતુ કે, રામનાથપરા સ્મશાનગૃહ એકદમ અવ્યવસ્થિત ચાલતુ હોવાથી 1996માં વિજયભાઇ રૂપાણી રાજકોટના મેયર બન્યા ત્યારે તેમણે મને બોલાવીને સરગમ કલબ દ્વારા રામનાથપરા સ્મશાનગૃહનું સંચાલન સંભાળી લેવા જણાવ્યુ હતુ.
ગુણુભાઇએ જણાવેલ કે, વિજયભાઇએ મને રામનાથપરા સ્મશાનગૃહનો જિર્ણોધ્ધાર કરી લોકો ત્યા ફરવા અને જોવા આવે તેવુ સ્થળ બનાવી દેવાની જવાબદારી સોંપી હતી.
આ માટે તેમણે સ્મશાનગૃહમાં નડતરરૂપ તમામ દબાણો હટાવી સ્થળ ચોખ્ખુ કરાવી દીધુ હતુ. ત્યારબાદ દાતાઓ પાસેથી રૂા.15 કરોડ જેવુ ભંડોળ એકઠુ કરીને સ્મશાનમાં બગીચા, સુશોભન સાથે દેવી-દેવતાઓની પ્રતિમાઓ, આધુનિક ભઠ્ઠીઓ મુકવામાં આવતા આજે સૌરાષ્ટ્રભરમાંથી લોકો રાજકોટનું સ્મશાનગૃહ જોવા આવી રહ્યા છે.
ગુણુભાઇએ જણાવેલ કે, રામનાથપરા સ્મશાનગૃહના જિણોધ્ધાર માટે સરગમ કલબને જવાબદારી સોંપવાનું શ્રેય વિજયભાઇને જાય છે. આ સિવાય ઇન્ડોર સ્ટેડ્યિમનું સંચાલન પણ તેમણે સરગમ કલબને સોંપ્યુ હતુ.
વર્ષ 2013માં હું લંડન હતો ત્યારે તેમણે મને કોલ કરીને ઇન્ડોર સ્ટેડ્યિમનું સંચાલન સંભાળી રમતવીરોને સારી સુવિધા આપવા જણાવ્યું હતુ.