દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં વિજયભાઇ રૂપાણી પણ સવાર હતા
તેમની સ્થિતિ અંગે ચિંતાની લાગણી, નિવાસસ્થાને નેતાઓ અને કાર્યકરો એકઠા થયા
અમદાવાદમા આજે દુર્ઘટનાગ્રસ્ત બનેલ એર ઇન્ડિયાની ફલાઇટમા રાજકોટનાં પુર્વ ધારાસભ્ય અને ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પણ સવાર હોવાનું જાણવા મળ્યુ છે. વિજયભાઇ રૂપાણી અમદાવાદથી લંડન ખાતે તેમના પરિવારજનોને મળવા જવા માટે આજે બપોરે એર ઇન્ડિયાની આ ફલાઇટમા બેઠા હતા અને તેમનો બોર્ડીંગ પાસ પણ સોશ્યલ મીડિયામા વાયરલ થયો છે.
તેમા વિજયભાઇ રૂપાણીની સીટ નં. 2-ડી હોવાનુ જણાય છે. આ ઉપરાંત વિમાનમા પ્રવેશેલા મુસાફરોનાં લીસ્ટમા પણ 12 મા નંબર ઉપર વિજયભાઇ રૂપાણીનુ નામ હોવાનુ બહાર આવ્યુ છે. જો કે આ દુર્ઘટનામા વિજયભાઇ રૂપાણીની સ્થિતિ અંગે હજુ સુધી કોઇ સત્તાવાર વિગતો બહાર આવી નથી. વિજયભાઇ રૂપાણી આ પ્લેનમા સવાર હતા તે અંગે સત્તાવાર સ્પષ્ટતા થઇ છે. પરંતુ દુર્ઘટના બાદ તેમની સ્થિતિ અંગે સરકાર દ્વારા કોઇ સ્પષ્ટતા કરવામા આવી નથી.
જોકે અમદાવાદ ખાતેના વિજયભાઇ રૂપાણીના નિવાસ સ્થાને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના ભાજપના ટોચના નેતાઓ તેમજ રાજકોટ ખાતેના તેમના નિવાસ સ્થાને ભાજપના સ્થાનિક નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામા એકઠા થયા હતા. પોલીસે બંને સ્થળે બંદોબસ્ત પણ ગોઠવી દીધો છે. દરમિયાન વિજયભાઇ રૂપાણીના નિકટના સાથી નીતિન ભારદ્વાજે લંડનથી મિડીયાને જણાવ્યુ હતુ કે તેઓ તેમની દિકરીને મળવા માટે લંડન આવી રહયા હતા. તેઓ વિમાનમા એકલા જ મુસાફરી કરી રહયા હતા. હાલ તેમનો સંપર્ક થઇ શકતો નથી.