નવરાત્રી દરમિયાન ક્યાંય પણ પશુબલિની ઘટના બને તો જાણ કરવા વિજ્ઞાન જાથાનો અનુરોધ
માનતાના નામે પશુબલિ ચડાવવીએ કાનૂની અપરાધ-જાથા
ભારતમાં સદીઓથી પરંપરા, માન્યતા, રિવાજ, માનતાના નામે નૈવેધ્યમાં જીવતા પશુ-પક્ષીની બલી ચડાવવાની ગેરમાન્યતા જોવા મળે છે. અમુક જ્ઞાતિ આજે પણ પશુબલીમાં અતિ શ્રદ્ધા ધરાવે છે. નવરાત્રિમાં આઠમ, નોમ, દશેરા, પૂનમના દિવસે પશુબલી અટકાવવા ભારત જન વિજ્ઞાન જાથાએ અભિયાન આદર્યું છે. રાજયમાં પશુબલી ઘટનાના સંદર્ભે આધાર-પુરાવા સાથે માહિતી આપવા લોકોને અપીલ કરવામાં આવી છે.
જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયા જણાવે છે કે ભારતમાં કાયદા પ્રમાણે પશુ-પક્ષીની બલી ચડાવવી ગુન્હાને પાત્ર છે. માનતા રાખનાર, પશુ-પક્ષીની હથીયારથી હત્યા કરનારા, તેને પ્રેરનારા, ધૂણીને કે માતાજીના નામે પશુબલીનો આગ્રહ કરનારા તમામ સામે કડક કાયદાકીય કાર્યવાહીને નિર્દેશ છે. પશુને ભુખ્યા રાખવા, વાહનમાં લાવવા, અમાનુષી ત્રાસ આપવા સંબંધી કલમો હેઠળ ગુન્હો નોંધવામાં આવે છે.
સરકારે એક પણ જ્ઞાતિ-સમાજને પશુબલી માટે માન્યતા આપી નથી કે કોઈપણ પ્રકારનો પરિપત્ર અસ્તિત્વમાં નથી. છતાં જાથાની જાણમાં આવ્યું છે કે પશુબલી મંજુરી સંબંધી પરિપત્રના અનેક સોગંદનામા કરી અંધમાન્યતામાં શ્રદ્ધા ધરાવતા લોકો પોતાની પાસે રાખી પશુબલી કોઈ અટકાવી શકે નહિ તેવો વિશ્વાસ રાખે છે વાસ્તવમાં ખોટો છે. આજે પણ કોઈપણ વ્યકિત, નાગરિક, જાગૃતો સરકારી તંત્રને જાણ કરે કે તુરંત પશુબલી અટકાવવા પોલીસ તંત્ર પહોંચી જાય છે. પશુબલી મંજુરી સંબંધી પરિપત્ર સંપુર્ણ ખોટો, બેબુનિયાદ, અસ્તિત્વ ધરાવતો ન હોય નિર્દોષ શ્રદ્ધાળુ કાયદાની ચુંગાલમાં ફસાય જાય નહિ તેવી જાથા માહિતી આપે છે.
જાથાએ પશુબલી અટકાવવા દેશવ્યાપી અભિયાન આદર્યું છે. નવરાત્રિમાં હવનાષ્ટમી, નોમ, દશેરા, પૂનમના દિવસે આજે પણ અમુક જ્ઞાતિ માનતા પ્રમાણે પશુબલીનો ધાર્મિક કાર્યક્રમ, માંડવો રાખે છે તે અટકાવવા જાથા કટિબદ્ધ છે. માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે તેમણે આધાર-પુરાવા સાથે માહિતી આપ્યા પછી ખરાઈ કરવામાં આવે છે. ત્યાર બાદ અટકાવવા સંબંધી તંત્રને સાથે રાખી કાર્યવાહી કરવામાં આવશે. પશુબલીની આધાર-પુરાવા સાથે 98252 16689 નંબર પર જાણ કરવા અનુરોધ કરાયો છે.