વિદ્યા સનલાઈટ ગ્રૂપને ત્યાંથી 700 કરોડના બેનામી વ્યવહારો મળ્યા
અમદાવાદ, નડિયાદ અને આણંદમાં સર્ચ ઓપરેશનમાં 6 કરોડના દાગીના અને રૂા.1.5 કરોડની રોકડ કબજે
બિલ વિનાનો 200 કરોડનો વેપારનો પર્દાફાશ, 16 બેંક લોકરો સીલ કરાયા
આવકવેરા વિભાગ દ્વારા અમદાવાદ, નડિયાદ અને આણંદના તાંબા અને એલ્યુમિનિયમના ઉત્પાદન સાથે સંકળાયેલા વિદ્યા સનલાઈટ ગ્રુપના 20 સ્થળો પર દરોડા પડ્યા હતા જેમાં તપાસના અંતે રૂૂા. 700 કરોડના બિનહિસાબી વહેવારો મળી આવ્યા છે. તેમજ તપાસ 6 કરોડના દાગીના અને રૂૂા.1.5 કરોડની રોકડ પણ જપ્ત કરી લેવામાં આવી છે. જયારે વિદ્યા સનલાઈટ ગ્રુપના 16 લોકરો સીલ કરવામાં આવ્યા છે. તેમાંથી હજી 14 લોકર ઓપરેટ કરવાના બાકી છે.
ઇન્કમટેક્ષ વિભાગનું આ સૌથી મોટું ઓપરેશન ગણાવવામાં આવી રહ્યું છે. દરોડામાં વિદ્યા સનલાઈટ ગ્રુપના પ્રમોટર શ્યામ સુન્દર રાઠી, શેલેશ રાઠી, અક્ષય હેડા, પ્રહલાદ હેડા, સંજય હેડા, નીતિન હેડા, મનીષ હેઠા તથા તેમના પરિવારના બાકીના સભ્યને ત્યાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં રૂૂા. 700 કરોડના વહેવારો, સોનું-ચાંદી અને વગર બિલના વેપારની વિગતો મળી આવી છે. વિદ્યા સનલાઈટ ગ્રુપ તાંબા અને એલ્યુમિનિયમના ભંગારની આયાત કરે છે. તેમાંથી વાયર, અથિંગ વાયર અને સ્ટ્રીપ બનાવે છે. આ તમામ વસ્તુઓનો વેપાર કરે છે. રોકડામાં તેને માટે નાણાં લે છે. રોકડને બદલે ચેકથી પેમેન્ટ આવે તો તેવા સંજોગોમાં કંપની બોગસ પેમેન્ટ બનાવીને બનાવટી સપ્લાયના પુરાવાઓ ઊભા કરીને કરચોરી કરી રહ્યું હોવાનું ધ્યાનમાં આવ્યું છે. આવકવેરા ખાતાની તપાસમાં બહાર આવ્યું છે કે કંપનીએ વિદ્યાસનલાઈટ ગ્રુપે રૂૂા. 700 કરોડના બોગસ બિલથી ખરીદી બતાવી છે. તેમ જ રૂૂા. 200 કરોડનો બિલ વિનાનો વેપાર કર્યો છે. તદુપરાંત રૂૂા. 70 કરોડના બિલ બનાવ્યા છે. તેમાં વાસ્તવિક કિંમત કરતાં ઊંચી કિંમત બતાવવામાં આવી છે.
વિદ્યા સનલાઈટ ગ્રુપના નડિયાદના પીપલગ રોડ પર આવેલા વસંતવિહાર વિસ્તારના એકમો પર પણ દરોડા ચાલુ કરવામાં આવ્યા છે. તેમ જ ટુંડેલ સીમ વિસ્તારમાં આવેલી કોપર સ્ક્રેપમાંથી વાયર બનાવવાની ફેક્ટરી પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. સંજય હેડાની દેખરેક નીચે ટુંડેલમાં ચાલતી શિવમ મેટલોસ કોપરની ફેક્ટરી પણ દરોડામાં આવરી લેવામાં આવી છે. આ કંપનીના બોગસ બિલો જોતાં જીએસટીની પણ મોટી ચોરી બહાર આવે તેવી સંભાવના છે. મહેમદાવાદના હલધર વાસ અને આખડોલ નજીક આવેલી કંપનીમાં પણ આવકવેરાની ટીમના દરોડા ચાલી રહ્યા છે.