મોરબી બ્રિજ દુર્ઘટનામાં હત્યાની કલમ ઉમેરવા પીડિતોની હાઇકોર્ટમાં અરજી
મોરબીના ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટનામાં અજંતા કંપનીના માલિક જયસુખ પટેલ સહિતના આરોપીઓ સામે હત્યાની કલમ ઉમેરવા, અજંતા કંપનીને આરોપી તરીકે ઉમેરવા વધુ તપાસની માંગ કરતી પીડિતોની અરજી નીચલી કોર્ટે ફગાવી કાઢતાં હવે આ સમગ્ર મામલો હાઇકોર્ટ સમક્ષ પહોંચ્યો છે. નીચલી અદાલતના અરજદાર પીડિતોને રાહત નહીં આપતાં ચુકાદાને રદ કરવાની માંગ સાથે હાઇકોર્ટમાં રિટ કરવામાં આવી છે અને વચગાળાની રાહત રૂૂપે ટ્રાયલ પર સ્ટે મુકી વધુ તપાસના આદેશ કરવાની દાદ અરજદારોએ માંગી છે. જે રિટની સુનાવણી બાદ હાઇકોર્ટના જસ્ટિસ સંદીપ ભટ્ટે સરકાર સહિતના પ્રતિવાદીઓને નોટિસ પાઠવી છે અને ટ્રાયલ પર સ્ટે મુકવા સંદર્ભે પણ નોટિસ પાઠવવામાં આવી છે. હાઇકોર્ટે આ કેસની વધુ સુનાવણી 6 જાન્યુઆરીએ રાખી છે.
આ મામલે અરજદારો તરફથી હાઈકોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે, કંપનીને આરોપી તરીકે દર્શાવવામાં આવી નથી. તે ઉપરાંત કલમ 173 હેઠળ વધુ તપાસ કરવા માટેની દાદ માંગતી એક અરજી નીચલી કોર્ટ સમક્ષ કરવામાં આવી હતી. અરજદાર પીડિતોનું માનવું છે કે, આ કેસમાં એવા પુરાવા સામે આવ્યા છે કે જેમાં આઇપીસી 302 એટલે કે હત્યાની કલમ આરોપીઓ સામે ઉમેરી શકાય. જોકે, અરજી કોર્ટે રદ કરી હતી. જે આદેશની સામે હાઇકોર્ટ સમક્ષ અરજી કરવામાં આવી છે.
આ અરજીની સુનાવણીમાં એક તબક્કે હાઇકોર્ટના જસ્ટિસ સંદીપ ભટ્ટે રાજ્ય સરકાર સહિતના પ્રતિવાદીઓને નોટિસ પાઠવવાનો મૌખિક આદેશ કર્યો હતો. પરંતુ અરજદારો તરફથી એડવોકેટે રજૂઆત કરી હતી કે આ મામલે ટ્રાયલ પર સ્ટે મુકવાનો આદેશ હાઇકોર્ટ દ્વારા કરવામાં આવે. ત્યારે કોર્ટે એવી ટકોર કરી હતી કે તો પછી આ મામલે તમે તમારી દલીલો કરો. હાઇકોર્ટે એવી ટકોર પણ કરી હતી કે અમને અરજદાર પીડિતો પ્રત્યે પૂર્ણ સહાનુભૂતિ છે, પરંતુ કાયદાની ચાર દિવાલ વચ્ચે જ કોર્ટે કાર્યવાહી કરવી પડે.
અરજદાર તરફથી એવી દલીલ કરવામાં આવી હતી કે, વચગાળાની રાહત સાથે નોટિસ પાઠવવામાં આવે તો સારું રહેશે. ત્યારબાદ હાઇકોર્ટે આદેશમાં નોંધ્યું હતું કે તેમની કલમ 173(8) હેઠળની વધુ તપાસની માંગ કરતી અરજી નીચલી કોર્ટે રદ કરી હતી અને એવા કારણ આપ્યા હતા કે અરજદારોને આ પ્રકારની અરજી કરવાની કોઇ સત્તા નથી. આ મામલે કોર્ટનું અગાઉની એક અરજી અંગે પણ અરજદાર તરફથી ધ્યાન દોરવામાં આવ્યું છે. જેથી આ મામલો ધ્યાને લેવા યોગ્ય જણાતો હોઇ પ્રતિવાદીઓને નોટિસ પાઠવવામાં આવે છે. તે ઉપરાંત મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આ મામલે ચાલી રહેલા કેસ પર સ્ટે આપી શકાય કે કેમ એ અંગે પણ નોટિસ આપવામાં આવે છે.