અમરનાથ મહાદેવ મંદિરમાં આરતી માટે વર્ચસ્વની લડાઈમાં બન્ને જૂથ વચ્ચે ફરી શાબ્દિક બોલાચાલી
પોલીસ બંદોબસ્ત વચ્ચે પી.ટી. જાડેજાએ આરતી કર્યા બાદ સામે જુથે બીજી વખત આરતી કરી
બિગબજાર પાછળ સાંઈભાબા સોસાયટી મેઈન રોડ પર આવેલા અમરનાથ મહાદેવ મંદિરમાં આરતી માટે વર્ચસ્વની બે જૂથ વચ્ચે ચાલતી ટક્કરમાં મંદિરમાં મહાઆરતી વિવાદ મામલ થયેલ પાસા કાર્યવાહી બાદ પી.ટી.જાડેજા દ્વારા સોમવારે સાંજે મંદિરમાં આરતી કરવા પહોચ્યા હતા. જ્યાં મંદિર પટાંગણમાં સામેના લોકો સાથે શાબ્દિક બોલાચાલી થઇ હતી.
પોલીસ બંદોબસ્ત વચ્ચે બે વખત આરતી થઈ હતી. આરતી કરવાને લઇને ભારે ગરમાગરમી વચ્ચેના વાતાવરણ બાદ અંતે પી.ટી. જાડેજાએ આરતી કર્યા બાદ સામેના જૂથે મહાઆરતી કરી હતી. પોલીસના બંદોબસ્ત અને અગ્રણીઓની ઉપસ્થિતિ હોવા છતાં બન્ને જૂથ વચ્ચે થોડીક ક્ષણો તું તું મેં મેં થઈ હતી. આરતીને લઇને બન્ને જૂથમાં ઉકળતા ચરુ જેવી શાંતિનો માહોલ દેખાઈ રહ્યો છે.
અમરનાથ મહાદેવ મંદિરમાં આરતી બાબતે થોડા સમય પહેલાં પી.ટી.જાડેજા અને ત્યાંના રહેવાસી જસ્મિન મકવાણાને મંદિરમાં આરતી નહીં કરવા બાબતે ફોનમાં ધમકી આપી હતી અને પી.ટી.જાડેજા સામે ગુનો નોંધાયો હતો. પી.ટી. જાડેજાને પાસા થયા હતા. નવ દિવસ બાદ પી.ટી.જાડેજા સાબરમતિ જેલમાંથી મુક્ત થયા બાદ ગઈકાલે સોમવારે સાંજે અમરનાથ મહાદેવ મંદિર ખાતે આરતી કરવા પહોચ્યા હતા તે પૂર્વે પી.ટી.જાડેજાએ સામેના જૂથના લોકો માથાકૂટ કરે તેવી દહેશત વ્યક્ત કરી પોલીસ બંદોબસ્ત માટે તાલુકા પોલીસ મથકમાં અરજી આપી હતી. અરજીને પગલે તાલુકા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચનો સ્ટાફને બંદોબસ્તમાં તૈનાત રખાયો હતો.
અમરનાથ મહાદેવ મંદિરે પી.ટી.જાડેજા અને તેમનો પરિવાર તેમજ સમર્થકો આરતી કરવા માટે પહોંચ્યા હતા ત્યારે સામેનું જૂથ પણ ત્યાં હાજર હતું.
ગઈકાલની મહાઆરતી અને પ્રસાદના દાતા નિવૃત ડીવાયએસપી કે. બી. ઝાલા હતા અને પી.ટી. જાડેજા મંદિરમાં આવતા તેઓ કે.બી. ઝાલાને મળ્યા હતા તેમને જણાવ્યું હતું કે, હું માત્ર આરતી કરવા માટે આવ્યો છું. જેથી કે. બી. ઝાલાએ પણ કોઈ ખોટા વિવાદ ન કરવા વિનંતી કરી હતી.
પોલીસની હાજરી હોવા છતાં બન્ને જૂથ વચ્ચે તું તું મેં મેં થઈ હતી. પી.ટી. જાડેજાએ આરતી કરી લીધા બાદ રહેવાસીઓ અને સામેના જૂથ દ્વારા મહાઆરતી થઈ હતી. મંદિર પટાંગણમાં બન્ને જૂથ વચ્ચે ઉગ્ર શાબ્દિક બોલાચાલી થતા મામલો તંગ બન્યો હતો. પી.ટી. જાડેજાએ બોલાચાલી દરમિયાન તેમની સામે ખોટા આરોપો અને ખોટી ફરિયાદો કરી પાસા કાર્યવાહી કરાવવામાં આવી હોવાનો રોષ ઠાલવ્યો હતો.