ઉપલેટાના જીવાદોરી સમાન વેણુ - 2 ડેમ ઓવરફ્લો થતાં લોકોમાં આનંદની હેલી
આગાહીકારો તથા હવામાન ખાતાની આગાહીને પગલે સૌરાષ્ટ્ર ગુજરાતમાં ધમાકેદાર મેઘવર્ષા થઈ રહી છે ત્યારે ઉપલેટાના જીવાદોરી સમાન વેણુ - 2 ડેમમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લઈને પુષ્કળ પ્રમાણમાં નવા નીરની આવક થતા 54 ફૂટની સપાટી ધરાવતા વેણુ - 2 ડેમની રૂૂલ લેવલની સપાટીએ પહોંચતા 100% ડેમ ભરાતા ઓવરફ્લો થયો જેમાં ગત રાત્રે દોઢ વાગ્યે 2 દરવાજા 1 ફુટ ખોલવામાં આવતા 1428 ક્યુસેક પાણીની આવક સામે જાવક નોંધાઈ હતી.
ડેમ સંપૂર્ણ ભરાવાને કારણે ઉપલેટા શહેર તેમજ 12 જેટલા પાણી પુરવઠા વિભાગના ગામોને પીવાનો તથા સિંચાઈ માટેના પાણીનો પ્રશ્ન હલ થઈ ગયો છે તેમજ વેણુ - 2 ડેમની હેઠવાસના ગધેથડ, નાગવદર, વરજાંગ જાળીયા, મેખાટીબી અને નિલાખા ગામના લોકોને સાયરન વગાડી એલર્ટ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે વેણુ 2 સિંચાઈ વિભાગ દ્વારા ગમે ત્યારે ડેમ ઓવરફ્લો થઈ શકે તેમ હોય જેને લઈને બે દિવસ અગાઉ થી જ નદીના પટમાં અવર-જવર ન કરવા, પાણીની પાઇપ લાઇનો, મશીનો, ઢોરઢાંખર, વાવેતર કરેલ વાડા વગેરે હટાવી લેવા લોકોને તેમજ ગામના સરપંચોને વેણુ 2 ડેમના સેક્શન ઓફિસર ચેતન યોગાનંદી દ્વારા સૂચના આપવામાં આવી હતી.