વીસીઇને ક્રોપ સરવેની કામગીરી સોંપાતા બહિષ્કાર કરાશે
ગ્રામ્ય સ્તરે સરકારી યોજનાઓ અને અન્ય અભિયાનમાં મહત્ત્વનો ભાગ ભજવતા વીસીઇ (ગ્રામ્ય કમ્પ્યૂટર સાહસિક ઓપરેટર)ને પૂરતું વેતન અપાતું નથી અને મામૂલી રકમ આપીને નવી કામગીરી સોંપાતા વિરોધ થઇ રહ્યો છે. તેના કારણે વીસીઇ મંડળ દ્વારા ક્રોપ સર્વેની કામગીરીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરાઇ છે.
વીસીઇ મંડળ દ્વારા વિકાસ કમિશનર અને ઇ-વિશ્વગ્રામ સોસાયટીને કરેલી લેખિત રજૂઆતમાં જણાવાયું છે કે સરકાર કે ઇ-ગ્રામ સોસાયટી દ્વારા વીસીઇને કોઇ પગાર અપાતો નથી.
વિવિધ કામગીરી માટે એક રૂૂપિયાથી લઇ 10 રૂૂપિયા જેટલું મામૂલી કમિશન આપીને શોષણ કરાવાય છે. ક્રોપ સર્વેની કામગીરીમાં પણ વીસીઇને ફક્ત 10 રૂપિયાનું કમિશન અપાશે. તલાટી, ગ્રામ સેવકની સાથે આ કાર્ય કરવાનું થાય છે, પરંતુ વીસીઇને વિવિધ ખેતરોમાં ફરીને પેટ્રોલનો ખર્ચ પણ ના નિકળે તેટલી ફક્ત 10 રૂપિયામાં ભારે જવાબદારી સોંપાઈ છે. તે સાથે આ કામગીરી દરમિયાન વીસીઇ ગ્રામ પંચાયતમાં હાજરી આપી શકશે નહીં તેના કારણે લોકોના સરકારી કામ થઇ શકશે નહીં.
તે સાથે સરકારી યોજનાઓ અને વિદ્યાર્થીઓના કામ પણ અટકી શકે છે. વીસીઇને આરોગ્ય સુવિધા કે વીમા કવચ જેવી પણ કોઇ સુવિધા અપાતી નથી. લાંબા સમયથી વીસીઇને ફિક્સ પગાર અપાય તેવી માગણી પણ સ્વીકારાઈ નથી. તે સંજોગોમાં ક્રોપ સર્વેની કામગીરી નહીં કરવાનો નિર્ણય લેવાયો છે. રજૂઆતમાં વીસીઇને કોઇપણ જાતનું દબાણ કરીને કામગીરી નહીં કરાવવા પણ જણાવાયું છે.