ગુજરાત યુથ કોંગ્રેસ પ્રમુખની ચૂંટણીમાં વણોલને સૌથી વધુ મત
પ્રવિણસિંહના 79,486 સામે હરીફ સંજય નિનામાને 28,814 મત મળ્યા, મોવડી મંડળ ઈન્ટરવ્યુ બાદ જાહેરાત કરશે
ગુજરાત યુવક કોંગ્રેસ પ્રમુખપદની ત્રણ મહિના પહેલાં યોજાયેલી ચૂંટણીનું પરિણામ જાહેર થયુ છે. જેમાં યુવક કોંગ્રેસ પ્રમુખપદ માટે દાવેદારી કરનાર પ્રવિણસિંહ વણોલને હરીફ ઉમેદવાર સંજય નિનામા કરતાં 51 હજાર મત વધુ મળ્યા છે. જો કે, દિલ્હીમાં મોવડીમંડળના ઈન્ટરવ્યુ બાદ ગુજરાત યુવક કોંગ્રેસ પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવશે. 24 જૂન 2025થી 2 ઓગષ્ટ 2025 દરમિયાન ગુજરાત યુવક કોંગ્રેસ પ્રમુખની ઓનલાઈન ચૂંટણી યોજાઈ હતી.
(2 ડિસેમ્બર) ના સાંજે 5 વાગે યુવક કોંગ્રેસની WITH IYC’ એપ ઉપર પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં યુવક કોંગ્રેસ પ્રમુખપદ માટે સૌથી વધુ 79,486 મત પ્રવિણસિંહ વણોલને મળ્યા છે. જ્યારે હરીફ ઉમેદવાર સંજય નિનામાને 28,184 અને ઉવેશ મનસુરીને માત્ર 450 મત મળ્યા છે. એપ્રિલ-2025 થી નવેમ્બર-2025 સુધી યુવક કોંગ્રેસના સંગઠનના વિવિધ હોદ્દાઓ માટે ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી.
ગુજરાત યુવક કોંગ્રેસ પ્રમુખપદ માટે ચાલી રહેલી ચૂંટણી પ્રક્રિયા એપ્રિલ-2025થી શરૂૂ થઈ હતી. એપ્રિલ-2025માં યુવક કોંગ્રેસ પ્રમુખપદ માટે દાવેદારોએ નોમિનેશન કર્યુ હતુ. જે તે સમયે યુવક કોંગ્રેસ પ્રમુખપદ માટે 10 જેટલા કાર્યકરોએ દાવેદારી કરી હતી.
યુવક કોંગ્રેસના પ્રમુખ બનવા માટે દાવેદારી કર્યા બાદ યુવક કોંગ્રેસની WITH IYC’ એપથી ઓનલાઈન મતદાન પ્રક્રિયા કરવામાં આવી હતી. 24 જૂન 2025 થી 2 ઓગષ્ટ 2025 સુધી સમગ્ર પ્રક્રિયા ચાલી હતી. જેમાં 18 થી 25 વર્ષની વયના કોંગ્રેસના કાર્યકરોએ કોંગ્રેસની WITH IYC’ એપ ઉપર વીડિયો બનાવી મતદાન કર્યુ હતુ. જેમાં ગુજરાત કોંગ્રેસના 1,10,096 યુવા કાર્યકરોએ મતદાન કર્યુ હતું. જ્યારે નોંધાયેલા 995 મતદારોએ મતદાન કર્યુ નહોતું.
બીજી ડિસેમ્બરે ગુજરાત યુવક કોંગ્રેસના સંગઠનના વિવિધ હોદ્દાઓ માટે યોજાયેલી ચૂંટણીના પરિણામ જાહેર કરી દેવામાં આવ્યા છે. જેમાં મળેલાં મત પ્રમાણે ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી સહિતના હોદ્દાઓ આપવામાં આવશે. જ્યારે યુવક કોંગ્રેસના પ્રમુખપદ માટે સૌથી વધુ મત મેળવનાર બે ઉમેદવારોને કોંગ્રેસનું મોવડી મંડળ દિલ્હી બોલાવશે. જ્યાં ગુજરાત પ્રભારી, ઈન્ડિયન યુથ કોંગ્રેસ પ્રમુખ અને રાષ્ટ્રીય નેતા બંને ઉમેદવારોના ઈન્ટરવ્યુ કરી તમામ માહિતી મેળવ્યા બાદ ગુજરાત યુવક પ્રમુખનું નામ જાહેર કરશે.