વડોદરાની સ્થિતિ ગંભીર, લોકો ગુસ્સામાં ગાળો ભાંડે છે : મનીષ પગાર
મારા વિસ્તારમાં લોકો પાસે ખાવાનું અનાજ કે પહેરવા કપડાં નથી : ભાજપના નગરસેવકનો આક્રોશ
વિશ્ર્વામિત્રી નદી પરના દબાણો તોડવામાં નહીં આવે તો ઉગ્ર વિરોધ કરવાની ચીમકી
વડોદરામાં ભારે વરસાદ અને પુરની સ્થિતિના કારણે સરકાર સામે લોકોમાં ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે. ત્યારે હવે ખુદ શાસકપક્ષ ભાજપના નેતાઓ પણ સંયમ ગુમાવી રહ્યા છે. બે દિવસ પહેલા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલે તંત્ર અને સંગઠન સામે નારાજગી વ્યક્ત કર્યા બાદ હવે વડોદરા ભાજપના નગરસેવક મનિષ પગારે પણ ઉગ્ર આક્રોશ ઠાલવ્યો છે.
ભાજપના નગરસેવક મનીષ પગાર દ્વારા સ્થાનિક પરિસ્થિતિની ગંભીર ટીકા કરી છે. વડોદરા શહેરના ભાજપના નગરસેવક મનીષ પગારે આજે સ્થાનિક વહીવટ અને પરિસ્થિતિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે તેમના વિસ્તારમાં લોકોની સ્થિતિ એટલી કફોડી છે કે તેમની પાસે ખાવાનું અનાજ કે પહેરવા કપડાં પણ નથી. પગારે આગળ કહ્યું, પરિસ્થિતિ એટલી વણસી ગઈ છે કે વિસ્તારમાં જવું મુશ્કેલ બન્યું છે. લોકો ગુસ્સામાં છે અને ગાળો બોલે છે.
તેમણે ઉમેર્યું કે તેઓ પોતે પાણી પુરવઠાના ચેરમેન રહી ચૂક્યા છે અને જો બે દિવસ અગાઉ પાણી છોડવામાં આવ્યું હોત, તો આ પરિસ્થિતિ ટાળી શકાઈ હોત. પગારે પાલિકાના મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત પાંચેય મુખ્ય સત્તાધીશોને નિષ્ફળ ગણાવ્યા. તેમણે વિશ્વામિત્રી નદીના દબાણ અંગે પણ ચેતવણી આપી, કહ્યું કે જો આ દબાણો નહીં તોડવામાં આવે તો તેઓ વિરોધ કરશે અને જે પણ જરૂૂરી પગલાં લેવા પડશે તે લેશે. અંતમાં, પગારે નાના કોર્પોરેટરોની અવગણના અંગે પણ નિરાશા વ્યક્ત કરી, કહ્યું કે તેમની વાત સાંભળવા કોઈ તૈયાર નથી.
નોંધનીય છે કે, વડોદરામાં આવેલ પુરમાં અનેક વિસ્તારના લોકો 2થી 3 દિવસ પાણીમાં રહ્યા, લોકોના ઘર પાણીમાં ડૂબ્યા હતા. આ ઉપરાંત અનેક વિસ્તારમાં પહેલા માળ સુધી મકાનો ડૂબ્યા હતા. લોકો 3 દિવસ સુધી ઘરમાં અને અઠવાડિયા સુધી પાણીમાં અવરજવર કરતા લોકોના પગમાં ફંગસ થવા લાગ્યા છે. આંગળીઓ વચ્ચે અને પગ તળિયે છાલા પડી ગયા ચામડી ઉતરી રહી છે. પલળેલા જ કપડા લોકોએ 2થી 3 દિવસ પહેરી રાખતા પગ અને કમ્મરના ભાગે ફંગસ થતા શહેરની ખાનગી અને સરકારી હોસ્પિટલમાં મળી 25 હજારથી વધુ લોકો ચામડીની બીમારીની સારવાર લઈ રહ્યા છે.
ભ્રષ્ટ શાસકોએ તળાવો વેચી મારતા વડોદરા ડુબ્યું : જૈન મુનિ
હાલ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પૂર જેવી પરિસ્થિતિને લઈ તંત્ર પર લોકોનો આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે વડોદરામાં દરવર્ષે પૂરની સ્થિતિનું નિર્માણ થતા લોકોનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચ્યો છે. જનતા બાદ હવે જૈન આચાર્ય સૂર્યસાગર મહારાજ પણ વડોદરાની સ્થિતિને લઈને બરાબરના વરસ્યા છે. જૈન આચાર્ય સૂર્યસાગર મહારાજે પણ પૂર મુદ્દે વડોદરાના સત્તાધીશોને આડેહાથ લીધા હતા. સૂર્યસાગર મહારાજએ કહ્યું કે, વર્ષો પહેલા 30થી 35 તળાવો હતા જે ગાયબ થઈ ગયા છે. જો એ તળાવો હોત તો વડોદરાની આ હાલત ન થઈ હોત. વધુમાં કહ્યું કે, વરસાદનું પાણી તે સમયે તળાવમાં જતુ હતું. ભ્રષ્ટ નેતાઓએ તળાવોની જગ્યા બિલ્ડરોને આપી દેતા વડોદરા દર વરસાદે ડૂબે છે. વડોદરા શહેર અત્યારે ભ્રષ્ટાચારનો અડ્ડો બન્યું છે.
સૂર્યસાગર મહારાજે શહેર ભાજપ પ્રમુખ વિજય શાહ પર પણ ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, વિજય શાહે વડોદરા માટે કંઈ કર્યું નથી. સૂર્યસાગર મહારાજએ કહ્યું કે, 10 કે 12 ઈંચ વરસાદથી વડોદરામાં ક્યારે પણ પૂર આવતો ન હતો. વડોદરામાં પહેલા 30થી 35 તળાવ હતા જેનાથી જો વધુ વરસાદ આવતો તો વરસાદનું પાણી તે તળાવમાં જતો રહેતો હતો. પરંતુ તળાવો બિલ્ડરોને વેચી દીધા છે અને ભ્રષ્ટાચાર કરી લીધું છે. જેનાથી આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે.