વડોદરાના નેતાઓ લાશ ઉપર રાજનીતિ કરે છે, સત્તામાં રહેવાનો અધિકાર નથી
વડોદરામાં ભાજપના નેતાના દીકરાની હત્યા પર રાજનીતિ રમાઈ રહી છે. ત્યારે ગુજરાતની સુરક્ષા પર જાણીતા જૈન મુનિ આચાર્ય સૂર્ય સાગર મહારાજે સવાલો ઉઠાવ્યા છે. તેમણે એક વીડિયોના માધ્યમથી વડોદરાના નેતાઓના ધરણા પ્રદર્શન પર પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે, વડોદરા નેતાઓ લાશ પર રાજનીતિ કરે છે. જ્યારે પૂર આવ્યું ત્યારે કેમ ધરણા પર ન બેઠા? આમ, ભાજપા પૂર્વ કાઉન્સિલરના પુત્ર તપન પરમારની હત્યા મુદ્દે વડોદરાના નેતાઓને જૈન મુનિએ આડે હાથ લીધા હતા. ત્યારે જૈન મુનિ સૂર્ય સાગર મહારાજનો વીડિયો હાલ વાયરલ થયો છે.
જૈન મુનિ સૂર્ય સાગર મહારાજે કહ્યું કે, પોલીસની નજર સામે જ હત્યા થઈ છતાં દિગ્ગજ નેતાઓ આ મામલે ચૂપ છે. રાજસત્તા તમારી પાસે છે, તો કોઈ નક્કર કાર્યવાહી કેમ નહીં થતી. સ્થાનિક નેતાઓએ ન્યાય માટે ભીખ કેમ માગવી પડે છે ? પૂર દરમિયાન પણ 15 લોકોના મોત થયા હતા ત્યારે પણ નેતાઓ કેમ ધરણાં પર ન બેઠાં ?
તેમણે કહ્યું કે, ગુજરાતમાં પોલીસ પ્રશાસન બિલકુલ નકામુ બની ગયું છે. અહીં દિવસેને દિવસે બળાત્કાર, હત્યા અને રેપ થઈ રહ્યાં છે. પરંતું તેઓ કંઈ કરી નથી રહ્યાં. ક્યારેય કોઈ હત્યા કરનાર કે બળાત્કારીનું એન્કાઉન્ટર થયું હોય તેવું સાંભળ્યું છે ખરું. અહીં ભાજપની જ સત્તા છે, પરંતું ભાજપના જ કોર્પોરેટરની હત્યા થઈ જાય છે. ભાજપના નેતાઓ પોલીસ સ્ટેશન સામે ધરણા કરે છે. નાટક કરે છે.
અરે તમે લાશ પર નાટક કરો છો. તમારી પાસે તાકાત નથી. શું તમારી પાસે રાજસત્તા હોવા છતાં પણ આવું નાટક કરો છો તો સત્તા છોડી દો. તમને સત્તામાં રહેવાનો અધિકાર નથી. કોઈ નેતા એમ પણ બોલ્યા કે ડીસીપીને થપ્પડ મારી દો. આ શું રાજનીતિ ચાલી રહી છે. તમારામાં ક્ષમતા નથી તો રાજનીતિમાંથી સંન્યાસ લઈ લો. અમારા જેવા સંન્યાસી કંઈક બોલે તો અમને ફોન પર ધમકાવવામાં આવે છે. તમે મારું કઈ કરી શ્કતા નથી. ક્યારેક તો હું ખુદ સત્તા પર આવીશ તો તમને બતાવીશ કે સત્તા કેવી રીતે ચલાવવામાં આવે છે. પોલીસની સામે મર્ડર થાય છે પણ કંઈ થતુ નથી. તમે લાશ પર રાજનીતિ કરો છો. તમારી સત્તા છે. યોગી આદિત્યનાથ પાસેથી કંઈક શીખો.