વડોદરાની આગ વલસાડ પહોંચી ઉમેદવાર વિરુદ્ધ પત્રિકા વાઇરલ
ધવલ પટેલ સામે સ્થાનિક કાર્યકરોએ મોરચો ખોલ્યો
વડોદરા લોકસભા સીટ પર ભાજપનાં ઉમેદવાર સામે પોસ્ટર કાંડ બાદ હવે વધુ એક લોકસભા સીટ પર ભાજપનાં ઉમેદવાર અંગે સોશિયલ મીડિયામાં પત્રિકા વાયરલ થતા પ્રદેશ મોવડી મંડળ ડેમેજ કંટ્રોલ કરવા દોડતું થઈ જવા પામ્યું હતું. તો બીજી તરફ શિસ્તમાં માનનારી ભાજપમાં અંદરો અંદરનો કાર્યકર્તાઓ તેમજ અગ્રણીઓની નારાજગી સામે આવી રહી છે.
ભાજપ દ્વારા લોકસભા બેઠકનાં ઉમેદવાર જાહેર કર્યા બાદ કેટલાક સિનીયર નેતાઓમાં કંઈક અંશે નારાજગી જોવા મળી રહી છે. ત્યારે વડોદરામાં પોસ્ટર વોર બાદ હવે વલસાડ લોકસભા બેઠક પર ભાજપનાં ઉમેદવારને લઈ પત્રિકા વાયરલ થઈ હતી. ભાજપનાં ઉમેદવાર અંગે સોશિયલ મીડિયામાં પત્રિકા વાયરલ થઈ હતી. ધવલ પટેલને ઉમેદવાર બનાવતા અગ્રણીઓ- કાર્યકર્તાઓ નારાજ થયા હોવાનો પત્રિકામાં દાવો કરવામાં આવ્યો હતો. પત્રિકામાં વલસાડ બેઠક પર ભાજપનાં ઉમેદવાર બદલવાની માંગ કરવામાં આવી છે.
આ બાબતે વલસાડ જીલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાએ જણાવ્યું હતું કે, આ વાત તદ્દન ખોટી છે. ભારતીય જનતા પાર્ટી એક કેડરબેઝ પાર્ટી છે. ભારતીય જનતા પાર્ટી જ્યારે ઉમેદવાર પસંદ કરે છે. ત્યારે બધા જ પાસાની ચકાસણી કર્યા બાદ જ ઉમેદવાર પસંદ કરવામાં આવે છે. તેમજ એક વખત ઉમેદવાર પસંદ થયા પછી ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર બદલતી નથી. આ ખોટો ગ્લોબલ પ્રચાર છે. વિરોધીઓ પાસે હાલ બીજા કોઈ મુદ્દા ન હોઈ લોકોને ભડકાવવાનો પ્રયાસ કરે છે.