હીરા ઉદ્યોગમાં વેકેશન અઠવાડિયું લંબાવાયું
દિવાળી બાદ પણ મંદીનો માહોલ, આવતીકાલથી અમુક જ કારખાના ખૂલશે
લાખો લોકોને રોજગારી રળી આપતા સુરતના હિરા ઉદ્યોગમાં હજુ પણ મંદીની કળ નહી વળતા દિવાળી વેકેશન એક અઠવાડિયુ લંબાવી દેવાયું છે.
વૈશ્વિક સ્તરે યુદ્ધની સ્થિતિના પગલે આર્થિક મંદીમાંથી પસાર થઈ રહેલો સુરતનો હીરા ઉદ્યોગ દિવાળી વેકેશન બાદ સંપૂર્ણ રીતે ધમધમતો થાય તેવી આશા વેપારીઓ સેવી રહ્યા છે. આ વચ્ચે સુરતના મોટા હીરા ઉદ્યોગોનું વેકેશન હજી એક અઠવાડિયા સુધી લંબાય તેવી શક્યતાઓ રહેલી છે. જોકે આવતીકાલથી સુરતના નાના ઉદ્યોગો તબક્કાવાર શરૂૂ થવાના છે અને અમેરિકામાં રચાયેલી નવી સરકારના કારણે એક નવા વેપારની આશા વેપારીઓ સેવી રહ્યા છે.
સુરતના મોટા હીરા ઉદ્યોગોમાં વેકેશન લંબાયું છે. 25 નવેમ્બર સુધી મોટા હીરા ઉદ્યોગોનું વેકેશન રહી શકે તેમ છે. સુરતના હીરા ઉદ્યોગમાં 17 નવેમ્બર સુધીનું આમ તો વેકેશન છે.પરંતુ મોટા હીરા ઉદ્યોગોનું વેકેશનની તારીખ લંબાવવામાં આવી છે. જ્યાં 25 નવેમ્બર બાદ મોટા હીરા ઉદ્યોગો શરૂૂ થવાની વકી છે. વૈશ્વિક સ્તરે આર્થિક મંદીની મોટા હીરા ઉદ્યોગો પર અસર જોવા મળી રહી છે. આ વચ્ચે આવતીકાલથી નાના યુનિટો તબક્કાવાર શરૂૂ થવા જઇ રહ્યા છે. છેલ્લા બે વર્ષથી સુરતના હીરા ઉદ્યોગ આર્થિક મંદીનો માહોલ છે.
પ્રથમ વખત દિવાળી બાદ હીરા યુનિટો શરૂૂ કરવામાં નીરસતાનો માહોલ છે. એકસાથે દર વખતે ઉત્સાહપૂર્વક શરૂૂ થતો હીરા વેપાર આ વખતે તબક્કાવાર શરુ થશે. હજી અનેક યુનિટો એ કારખાનાઓ શરૂૂ કરવાની તારીખ જાહેર કરી નથી. આર્થિક મંદીની અસર વચ્ચે વેપારીઓએ નવા વર્ષમાં વેપારની આશા સેવી છે. અમેરિકાની નવી ટ્રમ્પ સરકાર પર હીરા વેપારીઓને વેપારની આશા જાગી છે. જ્યાં અમેરિકાના બજાર પર હવે સમગ્ર દારોમદાર નિર્ભર કરે છે.