ધોરાજીમાં વ્યાજખોરો બેફામ : વ્યાજ માફિયાથી પરેશાન લોકોને પોલીસનો સંપર્ક કરવા અપીલ
હાલમાં અવારનવાર ગુજરાતમાં વ્યાજખોરોના આતંકથી અનેક લોકો પરિવાર સહિત સામૂહિક આત્મહત્યા કરતા હોવાના દાખલાઓ સામે આવી રહ્યા છે ત્યારે ધોરાજીમાં પણ આવા તગડું વ્યાજ લેનાર વ્યાજખોરો બેફામ બનતા હોવાની લોક ચર્ચાએ આખા શહેરમાં વેગ પકડ્યો છે.
થોડા સમય પહેલા જ રાજ્ય સરકારે આ બાબતે ગંભીરતા લઈ તગડું વ્યાજ પડાવી સામાન્ય તેમજ મજબૂર લોકોને પરિવાર સહિત મરવા માટે મજબૂર કરનાર વ્યાજ માફિયાઓ સામે સમગ્ર ગુજરાતમાં એક ખાસ અભિયાન ચલાવેલ હતું. જેમાં જે લોકો વ્યાજ માફીયાઓના ડરથી પોલીસ સ્ટેશન સુધી જઈ શકતા નથી એવા મજબૂર લોકો માટે ખાસ ઝુંબેશ ચલાવી હતી.
સામાન્ય તેમજ મધ્યમ વર્ગના લોકો જ્યારે મજબૂરીમાં વ્યાજે રૂૂપિયા લેતા હોય છે અને રેગ્યુલર વ્યાજ સહિત હપ્તા પણ ભરતા હોય છે. વ્યાજે નાણા લેનાર લોકોને એક બુક આપવામાં આવતી હોય છે અને જ્યારે વ્યાજ સહિત નાણાના હપ્તા ભરવાના હોય છે પરંતુ જ્યારે બાકીના રૂૂપિયા હોય એના પર વ્યાજ લેવાને બદલે મૂળ રકમ પર તગડું વ્યાજ ચડાવી 10 થી 20 ટકા સુધીનું વ્યાજ વસૂલ કરવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ અનિવાર્ય સંજોગોને કારણે હપ્તો ભરવામાં નિષ્ફળ જાય અથવા મોડો આપે તો તેમને માનસિક ત્રાસ આપી ગાળા-ગાળી કરીને અને ધાકધમકી આપવામાં આવે છે.
રોજબરોજ આવા વ્યાજ માફિયાઓના આતંકથી ઘણા લોકો અંતે સામૂહિક પરિવાર આત્મહત્યા કરી લે છે. આવા વ્યાજ માફીયાઓના આતંકથી આવી કોઈ ઘટના ધોરાજી શહેરમાં ન બને તે માટે જો કોઈ આવા મજબૂર લોકો હોય જેમણે મૂળ રકમના અનેક ગણા રૂૂપિયા ચૂકવ્યા હોય છતાં પણ જો તેમને વ્યાજ માફિયાઓ માનસિક ત્રાસ આપી હેરાન કરતા હોય તો એવા લોકોએ કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વગર કાયદાનો સહારો લઈ પોલીસખાતાનો સંપર્ક કરવો જોઈએ જેથી કરીને વ્યાજ માફિયાઓના આતંકથી કોઈ કોઈ નિર્દોષ જિંદગીનો જીવ હોમાય નહીં અને પરિવારનો બચાવ થઈ શકે.