થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓ માટે ઉપયોગી LR મશીન આખરે કાર્યરત
- સૌરાષ્ટ્રના 500થી વધુ દર્દીઓ માટે આશીર્વાદરૂપ સમાચાર
- બંધ LR મશીનને ચાલું કરાવવા ગુજરાત મિરરનાં અહેવાલનો મુખ્ય ફાળો
- બડા બજરંગ ગ્રુપના વિજય પૂનવાણી, કલ્પેશ ગમારા તથા સેવાભાવી અશોકભાઇ ઉગરેજિયાની જહેમત ફળી
શહેરની સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓને બ્લડ ચડાવવામાં અત્યંત ઉપયોગી એવુ એલ.આર.મશીન લાંબા સમયથી બંધ હાલતમાં પડયું હતું. પરિણામે ઘણી વખત બાળકો, દર્દીઓનાં મોત થયા હોવાનો સેવાભાવીઓ અને જાગૃત લોકોનાં આક્ષેપો થયા હતાં. બીજીબાજુ થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓ માટે જીવાદોરી સમાન એલ.આર. મશીન ધૂળ ખાતું હોવાનો તસ્વીર અહેવાલ ગુજરાત મિરર સાંધ્ય દૈનિકમાં પ્રસિદ્ધ થતાં કહેવાય છે કે ટોપ ટુ બોટમ છેકે ગાંધીનગર સુધી અહેવાલનાં પડઘા પડતાં હાલ આ એલ.આર. મશીન શરૂ થઇ ગયું છે.
સૌરાષ્ટ્રનાં 500થી વધુ થેલેસેમિયાના નાના-મોટા દર્દીઓ માટે સારા અને આશિર્વાદરૂપ સમાચારને સમર્થન આપતાં સિવિલ હોસ્પિટલનાં અધિક્ષક ડો.રાધેશ્યામ ત્રિવેદીએ ‘ગુજરાત મિરર’ને જણાવ્યું હતું કે, થોડી લીગલ પ્રક્રિયા દરમિયાન એલ.આર. મશીન બંધ રહયું તે સહજ છે. પણ હવે પૂર્વવત કાર્યરત કરી દેવાયું હોવાથી હવે દર્દીઓમાં કોઇ તકલીફ, સમસ્યા કે ફરિયાદ નથી રહી.
અત્રે એ નોંધનિય છે કે શહેર ઉપરાંત મોરબી, વાંકાનેર, સુરેન્દ્રનગર, કોડીનાર અને સૌરાષ્ટ્રભરમાંથી અહીં સિવિલમાં આપતાં થેલેસેમિયાનાં દર્દીઓ ઉપરાંત અન્ય દર્દીઓને લોહી પહોંચાડવા સતત દોડધામ કરતાં બડા બજરંગ ગૃપનાં અનન્ય સેવાભાવીઓ વિજ્યભાઇ પૂનવાણી અને કલ્પેશભાઇ ગમારા સહિતનાં જાગૃત યુવાનોની બંધ એલ.આર. મશીનને કાર્યરત કરવાની સતત માંગને સફળતા મળી છે. વિજ્યભાઇએ કહયું કે હવે બાળકોને બ્લડ ચડાવવામાં કોઇ આડ અસર કે તકલીફ થતી નથી અને ચોખ્ખું રકત મળવા લાગ્યું છે.