જૂનાગઢના ઉપલા દાતાર પર્વત પર ઉર્સનો પ્રારંભ, શ્રદ્ધાળુઓ ઉમટ્યા
દાતારબાપુએ ધારણ કરેલ અમૂલ્ય અને સિદ્ધીદાયક આભૂષણોની ચંદનવિધિ કરાઈ: ચારદિવસ વિવિધ કાર્યક્રમો યોજાશે
સંતો, શૂરાઓ અને સાવજોની ધરતી તરીકે ઓળખાતા જૂનાગઢમાં તમામ તહેવારો કોમી એખલાસના વાતાવરણમાં ઉજવાય છે. આ શહેરમાં આવેલા બે પવિત્ર પર્વતો, ગિરનાર અને દાતાર, આ ભાઈચારાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે. આ બંનેમાંથી 2779 ફૂટની ઊંચાઈ પર સ્થિત ઉપલા દાતાર પર્વત પર દાતાર બાપુની જગ્યાથી તમામ ધર્મના લોકોની શ્રદ્ધા જોડાયેલી છે, અને અહીં હિન્દુ-મુસ્લિમ સમાજના લોકો સાથે મળીને ઉર્સની ઉજવણી કરે છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ દાતાર બાપુના ઉર્સની ઉજવણીનો ભવ્ય પ્રારંભ થયો છે.
ઉર્સનો પહેલો દિવસ ચંદન વિધિનો દિવસ ગણાય છે. આ દિવસે દાતાર બાપુ દ્વારા ધારણ કરાયેલા અમૂલ્ય અને સિદ્ધિદાયક આભૂષણોની ચંદન વિધિ કરવામાં આવે છે. આ આભૂષણો વર્ષમાં માત્ર એક જ વાર ગુફામાંથી દર્શન માટે બહાર કાઢવામાં આવે છે. ગત મોડી રાત્રે દાતાર પર્વત પર આ આભૂષણોની વિધિ થઈ હતી. જેમાં હજારોની સંખ્યામાં હિંદુ અને મુસ્લિમ સમાજના ભક્તો ઉમટી પડ્યા હતા અને દાતાર બાપુના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
દાતાર પર્વત 2779 ફૂટની ઊંચાઈ પર આવેલો છે, જ્યાં દર્શન કરવા માટે 3000 પગથિયાં ચડવા પડે છે. તેમ છતાં, દાતાર બાપુના દર્શન માટે માત્ર જૂનાગઢથી જ નહીં, પરંતુ દૂર-દૂરથી શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. આ પ્રસંગે જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયા,મનપાના મેયર, ડે . મેયર, રાજકીય અને સામાજિક અગ્રણીઓ સહિત ધાર્મિક ક્ષેત્રના અગ્રણીઓએ પણ હાજરી આપી હતી. ભાઈચારાની ભાવના જળવાઈ રહે તે માટે જૂનાગઢ પોલીસે પણ બંદોબસ્ત ગોઠવ્યો હતો અને પોલીસ અધિકારીઓએ પણ આ ઉજવણીમાં ભાગ લીધો હતો.
આ ઉર્સ ચાર દિવસ સુધી ચાલશે અને તેમાં ભજન, કવ્વાલી સહિતના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે, જેમાં બાળકો, વૃદ્ધો અને વડીલો સૌ મોજ માણશે.