ચાલુ પરીક્ષાએ છાત્રાઓના હિજાબ ઉતરાવતા હોબાળો
- અંકલેશ્ર્વરની લાયન્સ સ્કૂલમાં બનેલી ઘટનાથી વિવાદ, મહિલા પ્રિન્સીપાલે
- 15 જેટલી છાત્રાઓના હિજાબ ઉતરાવતા રડી પડી, પરીક્ષા સ્થળ સંચાલકની બદલી
ભરૂચ જિલ્લાના અંકલેશ્ર્વર ખાતે આવેલી લાયન સ્કૂલમાં ગઈકાલે ધો. 10ની ગણિત વિષયની ચાલુ પરીક્ષાએ શાળાના પ્રિન્સિપાલે 15 જેટલી છાત્રાઓના હિઝાબ ઉતરાવતા છાત્રાઓ ચાલુ ક્લાસે જ રડી પડીહતી આ ઘટનાના સીસીટીવી આજે વાયરલ થતાં વાલીઓનું ટોળુ છાત્રો સાથે શાળાએ ધસી ગયું હતું. અને ભારે હોબાળો મચાવતા જિલ્લા શિક્ષણાધિકારી સહિતના અધિકારીઓ દોડતા થયા હતાં. અને પરીક્ષા સ્થળ સંચાલકને તાબડતોબ બદલી કરવામા આવેલ છે. જ્યારે શાળાના મહિલા પ્રિન્સીપાલ સામે પણ તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
વાલીઓએ જણાવ્યું હતું કે, છાત્રાઓ માત્ર સ્કાલ્ફ પહેરીને પરીક્ષા આપતી હતી આમ છતાં લાયન સ્કૂલના મહિલા પ્રિન્સીપાલે ઘટના નિયમો બતાવી છાત્રાઓએ હિઝાબ પહેર્યાનું જણાવી ચાલુ પરીક્ષાએ માથે ઓઢેલા સ્કાલ્ફ દૂર કરાવ્યા હતાં પરિણામે છાત્રાઓ રડી પડી હતી અને ગણિત વિષયનું પેપર આપવા સમયે જ ડિસ્ટર્બ થઈ ગઈ હતી.
વાલીઓએ હોબાળો મચાવી મહિલા પ્રિન્સીપાલને સસ્પેન્ડ કરવાની માંગણી કરી હતી જ્યારે જિલ્લા શિક્ષણઅધિકારી સ્વાતી રાઉલજી પાસે મામલો પહોંચતા પરીક્ષામાં છોકરીઓને હિઝાબ પહેરવા દેવા નહીં તેવો કોઈ નિયમ નથી. મહિલા પ્રિન્સીપાલે આવો નિયમ હોવાની વાત કરી તે ખોટી છે. આ બારામાં તપાસ શરૂ કરવામાં આવી છે અને પરીક્ષા સ્થળ સંચાલકને સસ્પેન્ડ કરી દેવામાં આવેલ છે જ્યારે પરીક્ષા કેન્દ્ર સંચાલકોને બદલાવવા સૂચના આપવામાં આવી છે. આ ઘટનાના ઉગ્ર પ્રત્યાઘાતો પડ્યા છે અને સીસીટીવી ફૂટેજ સાથે શિક્ષણમંત્રી સમક્ષ પણ રજૂઆત કરવા તૈયારી કરવામા આવી છે.
હિજાબ પહેરીને પરીક્ષા ન આપી શકાય એવો બોર્ડનો કોઈ નિયમ નથી : ડીઈઓ
આ અંગે ભરૂચ જીલ્લાના શિક્ષણાધિકારી સ્વાતિ રાઉલજીએ જણાવ્યું હતું કે, અમને આ અંગેની ફરિયાદ મળી છે અને સીસીટીવી ચકાસતા માલુમ પડ્યું છે કે વાલીઓની ફરિયાદમાં તથ્ય છે આચાર્ય સાથે પણ ટેલીફોનીક વાતચીત કરી છે બોર્ડની ગાઈડલાઈનમાં વિદ્યાર્થીના પહેરવેશ બાબતે કોઈ સ્પષ્ટ સુચના નથી ભદ્ર પોશાક પહેરીને વિદ્યાર્થી પરીક્ષા આપી શકે છે એન આ અંગે સ્થળ સંચાલકને બદલવાની કામગીરી હાથ ધરી છે.
બોર્ડના નિયમો હોવાથી હિજાબ કઢાવ્યાનો લાયન્સ સ્કૂલના સંચાલકોનો લૂલો બચાવ
વિદ્યાર્થીઓને હચમચાવતી આ ઘટનાને લઇને લાયન્સ સ્કુલ અંકલેશ્ર્વરના સંચાલકોએ સમગ્ર ઘટના બોર્ડના નિયમોના પાલન કરવાના લીધે બની હોવાનો લૂલો બચાવ રજુ કર્યો હતો આજે વાલીઓનું ટોળું વિદ્યાર્થીનીઓ સાથે ગેરવર્તનના આક્ષેપ સાથે શાળામાં પહોંચ્યું હતું. શાળાએ બોર્ડના સુપરવાઈઝરની સૂચનાથી પગલું લેવાયું હોવાનું જણાવી ઉપલી કક્ષાએ રજુઆત કરવા જણાવ્યું હતું. મામલે ભારે ઉહાપોહ મચ્યો હતો.વાલી નાવેદ મલેકે જણાવ્યું હતું કે બાળકીઓ જાણે ગુનેગાર હોય તેવું વર્તન કરાયું હતું શાળા તરફે સંચાલક દિપક રૂપારેલ જણાવ્યું હતું કે શાળાનો આ નિર્ણય નથી. બોર્ડના અધિકારીઓની સૂચનાનું પાલન કરાયું છે. શાળામાં રજુઆત કરવાનો અર્થ રહેતો નથી.