ઉપલેટાના ગઢાળા ગામે આતંક મચાવતો દીપડો પાંજરે પુરાયો : પશુપાલકોમાં રાહત
ચાર મહિનામાં 10 પશુનું કર્યુ હતુ મારણ
ઘણી જગ્યાઓ અને વિસ્તારોમાં સિંહ તેમજ દીપડા આવી જતા હોય છે અને પશુઓનું મારણ પણ કરતા હોય છે ત્યારે ઉપલેટા તાલુકાના ગઢાળા ગામે દીપડાએ એક દિવસ પહેલા ગઢાળા ગામના કાળુભાઈ પંપાણીયાની વાડીએ બાંધેલા પશુઓમાં વાછરડીનું મારણ કર્યું હતું.
છેલ્લા ઘણા સમયથી દિપડાએ આ ગઢાળા ગામની સીમ વિસ્તારના દસેક જેટલા વાછરડી અને પાડી જેવા નાના પશુઓનું મારણ કરેલ હોય જેને લઈને ગામ લોકોમાં ભયનો માહોલ છવાયો હતો કારણ કે ખેડૂતોને અને પશુપાલકોને રાત્રે ખેતરોમાં વાવેતર કરેલા કપાસ, મગફળી, એરંડા,સોયાબીન, અને તુવેર જેવા પાકોમાં પાણી વાળવા તેમજ ભૂંડના ત્રાસથી રખોપું કરવા જતા ખેડૂતોમાં ભયની લાગણી પ્રસરી ગઈ હોય જેથી વહેલી તકે આ દીપડો માનવ ભક્ષી બને એ પહેલા પાંજરે પુરવા માટે ગઢાળા ગામના સરપંચ નારણભાઈ આહિર તેમજ આસપાસના મોજીરા, કેરાળા, નવાપરા સેવંત્રા ગામના લોકો અને સરપંચોએ ફોરેસ્ટ વિભાગને વહેલી તકે દીપડો પાંજરે પુરાય તે માટે રજૂઆતો કરી હતી.
ફોરેસ્ટ વિભાગ દ્વારા અગાઉ પણ બે વખત પાંજરાઓ મૂકેલા હતા પરંતુ દીપડો પાંજરે પુરાતો ન હોય આખરે આ ત્રીજી વખત પાંજરું મુકવામાં આવતા દીપડો પાંજરે પુરાતા ગઢાળા તેમજ આસપાસના વિસ્તારના ગામોના ખેડૂતો અને પશુપાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ગઢાળા ગામના પૂર્વ સરપંચ નારણભાઈ આહિર અવારનવાર ફોરેસ્ટ વિભાગને જાણ કરતા હોય અને દોડાદોડી એમની સફળ થઈ હોય એવું લાગી રહ્યું છે કારણ કે તેમની અવારનવારની રજૂઆતો તેમજ ફોરેસ્ટ વિભાગના અથાક પ્રયત્નોને કારણે આ દીપડો પાંજરે પુરાયો હતો.દીપડાને પાંજરે પુરવા માટે વન વિભાગના અધિકારીઓ છઋઘ બ્રિજેશ એમ. બારૈયા, ફોરેસ્ટર મોનાબેન એન. કછોટ તથા ઉપેન્દ્રભાઈ એન. ચંદ્રવાડીયા તેમજ તેમની ટીમના દાહાભાઈ રબારી તથા વી. એન. સાનિયા દ્વારા સતત કામગીરી હાથ ધરાઈ હતી.