મોરબી જિલ્લામાં 6 ઈંચ સુધી વરસાદ
પ્રથમ વરસાદે જ મનપાની પોલ ખુલ્લી, લાતી પ્લોટ વિસ્તારની નર્કાગાર જેવી સ્થિતિ
મોરબીમાં લાંબા સમયના ઈન્તેજાર બાદ મેઘરાજાની શાહી સવારી આવી પહોંચી છે ગત રાત્રીના પાંચેય તાલુકામાં ધોધમાર વરસાદ બાદ આજે બપોરે મોરબી શહેરમાં ફરીથી ધોધમાર વરસાદ શરુ થયો છે ત્યારે મોરબીમાં પ્રથમ વરસાદમાં જ લાતીપ્લોટ નર્કાગાર સ્થિતિમાં ફેરવાઈ ગયું છે.
મોરબીના લાતીપ્લોટ શેરી નં 02 માં રોડ બેસી જવાની ઘટના સામે આવી હતી શહેરના ઇન્ડસ્ટ્રીયલ એરિયા એવા લાતીપ્લોટમાં રોડ બેસી જતા અહી કામકાજ માટે આવતા હજારો શ્રમિકો, વેપારીઓને હાલાકીનો સામનો કરવો પડે છે પ્રથમ વરસાદમાં જ લાતીપ્લોટ વિસ્તારમાં તંત્રની કામગીરીની પોલ ખુલી ગઈ હતી.જે અંગે ડેપ્યુટી કમિશનર સોનીએ જણાવ્યું હતું કે થોડા દિવસો પૂર્વે ભૂગર્ભ ગટરનં કામ ચાલતું હોવાથી ખોદકામ કરવામાં આવ્યું હતું મહાપાલિકા તંત્ર દ્વારા પાણી ભરાતા હોય તેવા વિસ્તારની યાદી બનાવી કામગીરી કરવામાં આવી રહી છે ડ્રેનેજ કામગીરીને કારણે ખોદકામ કર્યું હતું જ્યાં માટી બેસી ગઈ છે જેથી મેટલ નાખી રી સર્ફેસ કરવામાં આવશે અને વાહનચાલકોને હાલાકીમાંથી મુકિત આપવામાં આવશે.તે ઉપરાંત મોરબીના મચ્છુ 3 ડેમમાં વરસાદની આવકને પગલે ડેમનો એક દરવાજો એક ઇંચ ખોલવામાં આવ્યો હતો જે વધારીને હવે એક દરવાજો બે ફૂટ કરવામાં આવ્યો છે અને 1790 કયુસેક જળપ્રવાહ વહી રહ્યો હોવાની માહિતી ડેમ અધિકારી પાસેથી પ્રાપ્ત થઇ છે.
મચ્છુ-2 અને 3 ડેમના દરવાજા ખોલાયા
મચ્છુ-3 ડેમમાં પાણીની આવક વધતા રાત્રીના 11 વાગ્યે 3 દરવાજા 5 ફૂટ ખોલવામાં આવ્યા છે. હાલ પાણીની આવક 13425 ક્યુસેક છે. ડેમ 84.21 ટકા ભરેલો હોવાથી તે લેવલ જાળવી રાખવા 13425 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ડેમના કેચ અપ એરિયામાં છેલ્લા 24 કલાકમાં ચાર ઇંચ વરસાદ નોંધાયો છે. તેમ ડેમના અધિકારી દ્વારા જણાવાયુ છે.મોરબીના જોધપર ગામ નજીક આવેલ મચ્છુ 2 ડેમની ઉપરવાસમાં પાણીની આવલ ચાલુ છે અને મચ્છુ 2 ડેમ રીપેરીંગ કામગીરી ચાલુ હોવાથી ડેમનું ક્રેસ્ટ લેવલ જાળવવા માટે 3 ઇંચ ઓવરફલો થઇ રહ્યો છે.જેથી મોરબી તાલુકાના જોધપર, લીલાપર, ભડિયાદ, ટીંબડી, ધરમપુર, રવાપર, અમરેલી, વનાળીયા, ગોર ખીજડીયા, માનસર, નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર, ગુંગણ, નારણકા, બહાદુરગઢ, નવા નાગ્દાવાસ, જુના નાગડાવાસ, સોખડા અને અમરનગર તેમજ માળિયા તાલુકાના વીરવિદરકા, દેરાળા, નવાગામ, મેઘપર, હરીપર, મહેન્દ્રગઢ, ફતેપર, સોનગઢ અને માળિયા (મી.) એમ કુલ 29 ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
મોરબી જીલ્લાનો 24 કલાકનો વરસાદ
મોરબી 153 મીમી (6 ઈચ)
હળવદ 150 મીમી (6 ઈચ)
વાંકાનેર 113 મીમી ( સાડા પાંચ ઈચ)
ટંકારા 125 મીમી ( 5 ઈચ)
માળીયા 110 મીમી ( 5 ઈચ)