લીંબડીના ઉંટળી ગામે ખેડૂતોને નકલી ખાતર ધાબડી દેતા રોષ
કંપની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવાઇ
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ઉંટડી ગામના ખેડૂતોને કંપની દ્વારા નકલી ખાતર પધરાવી દેતા પાક બળી જતા ખેડૂતો લાલધુમ બન્યા છે. આથી ઉંટડી ગામના ખેડૂતોએ લીંબડી પોલીસ મથકે ધસી જઈ લીંબડી પીએસઆઇને લેખિત ફરિયાદ સાથે આવેદનપત્ર આપી ગુસ્સો ઠાલવ્યો હતો.
લીંબડી તાલુકાના ઉંટડી ગામના ગૌતમભાઈ હરજીભાઇ સાપરા સહિતના ખેડૂતોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, વડોદરા જિલ્લાની જુદી-જુદી કંપનીના એજન્ટો દ્વારા ખેડૂતોને નકલી ખાતર આપતા આ ખાતરનો ઉપયોગ કરવાના લીધે ખેડૂતોનો પાક બળી જતા એમને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો. આથી ખેડૂતોને આ મામલે લીંબડી પોલીસ મથકે ધસી જઈ ઉગ્ર રજૂઆત સાથે આ કેસમાં ખેડૂતો સાથે છેતરપીંડીનો કેસ દાખલ કરી તમામ ખેડૂતોને વળતર અપાવવા લેખિત રજૂઆત સાથે આવેદનપત્ર આપ્યું હતું.
આ લેખિત રજૂઆતમા જણાવ્યા મુજબ વડોદરા જિલ્લાની જુદી-જુદી કંપનીના એજન્ટો અમારા ગામમાં રૂૂબરૂૂ આવીને ખેડૂતો સાથે મીટિંગ ગોઠવી ખેડતોને જણાવ્યું હતું કે, તમે ડી.એ.પી.વાપરો છો, એના કરતા અમારી કંપનીના ઉચ્ચ ક્વોલિટીના ઓર્ગેનિક ખાતરો વાપરશો તો તમારા પાકને ખુબ ફાયદો થશે, મબલખ ઉપ્તાદન આવશે અને જમીન પણ ફળદ્રુપ રહેશે એવી અલગ અલગ લોભામણી વાતો કરી હતી અને એજ અરસામાં ડી.ઈ.પી.ખાતરની અછત ચાલતી હતી. આથી નર્મદા એગ્રો કંપની દ્વારા કૃષી પ્રધાન એક થેલીના રૂૂ. 810 લેખે તેમજ પોટાશના એક થેલીના રૂૂ. 950 લેખે તમામ ખેડૂતોને રોકડેથી ખાતર આપ્યું હતું.
ખેડૂતો દ્વારા આ ખાતરનો પોતાના ખેતરમાં ઉપયોગ કરતા તમામ ખેડૂતોનો પાક બળી ગયો હતો અને જેને બે મહિનાનો સમયગાળો વિતવા છતાં પાકનો કોઈ વિકાસ થતો નથી. તેમજ પાક ઉગીને વારંવાર બળી જાય છે. આ ખાતર નાખેલા ખેતરોમાં ખેડૂતો દ્વારા ત્રણ ત્રણ વખત વાવણી કરવા છતાં કોઈ જ ફેર પડ્યો નથી. ખેડૂતો દ્વારા આ મામલે લીંબડી તાલુકાના ગ્રામ સેવકો તેમજ સુરેન્દ્રનગર ખેતીવાડી અધિકારીને અને લીંબડી તથા સુરેન્દ્રનગર વિસ્તરણ અધિકારીને પણ આ બાબતે રજૂઆત કરી છે. આથી આ મામલે લીંબડી તાલુકાના ઉંટડી ગામના 10 જેટલા ખેડૂતોએ આજે લીંબડી પોલીસ મથકે ધસી જઈ લીંબડી પીએસઆઇને લેખિત ફરિયાદ સાથે આવેદનપત્ર આપી ગુસ્સો ઠાલવ્યો હતો.