ડાંગ, નવસારી અને વલસાડમાં કમોસમી વરસાદ, કેરી-ચીકુના પાકને નુકસાન
ડાંગ જિલ્લામાં રાત્રે વાતાવરણમાં પલટો આવ્યો હતો. ગઈકાલે સાંજથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. સાપુતારા ગિરિમથક તળેટીના ગામો,આહવા અને આસપાસના ગામોમાં રાત્રિના સમયમાં વરસાદી ઝાપટું પડ્યું હતું. વરસાદ પડવાને કારણે વાતાવરણમાં ઠંડક જોવા મળી હતી. દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો હતો. ગઈકાલે શુક્રવારે રાત્રે અનેક જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે કમોસમી વરસાદને લઈ ખેડૂતો ચિંતામાં છે.
વલસાડ જિલ્લાના વાતાવરણમાં ગઈકાલે રાત્રે પલટો જોવા મળ્યો હતો. આકાશ વાદળછાયું બન્યું હતું અને કેટલાક વિસ્તારોમાં ખાસ કરીને મહારાષ્ટ્ર અને ગુજરાતની હદ પર આવેલા ઉમરગામ અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા હતા. આ વરસાદી ઝાપટાને કારણે રસ્તાઓ ભીના થયા હતા અને ગરમી તથા ઉકળાટના માહોલમાંથી લોકોને થોડી રાહત મળી હતી. જોકે, આ કમોસમી વરસાદને કારણે કેરીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે.
બીજી તરફ, નવસારી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો. ખેરગામ તાલુકાના રૂૂમલા ગામ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. હાલ આંબા પર હજી કેરી બરાબર બેડવાની બાકી હોય તેવા સમયે પડેલા કમોસમી વરસાદે પાકની સ્થિતિ બગાડી છે. ખેડૂતોને ભય છે કે આ કમોસમી વરસાદથી ચીકુ અને આંબા પર ફળો ખરી પડવાનો અને તેમાં જીવાત લાગવાનો ભય છે.
દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારી જિલ્લામાં પડેલા કમોસમી વરસાદે ગરમીથી રાહત આપી છે, પરંતુ કેરી અને ચીકુ જેવા મહત્વના પાકને નુકસાન થવાની ભીતિથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. મોંઘવારીના માર વચ્ચે કમોસમી વરસાદનો આ ફટકો ખેડૂતો માટે વધુ એક પડકાર લઈને આવ્યો છે.