રાજકોટમાં સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ, સમિયાણા ઉડ્યા
ભારે પવન ફુંકાતા અનેક સ્થળે પતરા ઉડ્યા: ખંભાતમાં ચાર, ભાવનગર, બાવળામાં ત્રણ ઈંચ ખાબક્યો
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી હતી. રાજકોટમાં સતત ત્રીજા દિવસે કમોસમી ઝાપટા પડ્યા હતાં. રાજકોટમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે. વરસાદ પડવાના કારણે શહેરના રસ્તાઓ ભીના થઈ ગયા હતાં. આજે પણ સવારે ઉકળાટ બાદ વાતાવરણમાં પલ્ટો આવતા હળવા ઝાપટા પડ્યા હતાં.
રાજકોટમાં સતત પડી રહેલા વરસાદથી રસ્તાઓ ઉપર પાણી ફરી વળી રહ્યા છે. ગઈકાલે પડેલા વરસાદથી રૈયા ચોકડી, યાજ્ઞિક રોડ, ભાવનગર ચોકડી, ત્રિકોણબાગ, બસસ્ટેન્ડ, ગ્રીન લેન્ડ ચોકડી સહિતના વિસ્તારોમાં રોડ ઉપર પાણી ચાલ્યા ગયા હતાં. કમોસમી વરસાદે તંત્રની પ્રીમોન્સુન કામગીરીની પણ પોલ ખોલી નાખી છે.
રાજકોટમાં પડેલા વરસાદથી શહેરના વિવિધ વિસ્તારોમાં રોડનું ધોવાણ થઈ જતાં ખાબોચિયા ભરાઈ ગયા હતાં આ ખાબોચિયાના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ચાલવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. અને ઘણી જગ્યાએ ખાડાઓમાં પાણી ભરાઈ જતા ખાડાઓ નહીં દેખાતા વાહન ચાલકો ફસડાઈ પડ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યુ છે.
કમોસમી વરસાદની સાથે સાથે વાવાઝોડુ અને ભારે પવન પણ ફુંકાતા લગ્ન મંડપ તેમજ રાજકોટના નાનામૌવા સર્કલ ખાતે આવેલ મસાલા માર્કેટ ખાતે સમિયાણો ધ્વસ્ત થઈ ગયો હતો. ભારે પવનથી કેટલા વિક્સાતારોમાં તેમજ જીઆઈડીસીમાં કારકાનાઓના શેડના પતરાઓ પણ ઉડી ગયા હતાં. હાલ હવામાન વિભાગ દ્વારા હજુ એક અઠવાડિયા સુધી ભારે પવન અને કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે. જેને લઈને તંત્ર દ્વારા લોકોને સાવચેત કરતી માર્ગદર્શીકા જાહેર કરવામાં આવી છે. રાજકોટમાં છેલ્લા ત્રણ દિવસમાં બે ઈંચથી વધુ કમોસમી વરસાદ તંત્રના ચોપડે નોંધાયું હોવાનું જાણવા મળી રહ્યું છે.
વધુ મળતી વિગત મુજબ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાં આજે સવારે 6થી બપોરે બે વાગ્યા સુધી વરસાદ પડ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે. જેમાં સૌથી વધુ આણંદ જિલ્લાના ખંભાત વિસ્તારમાં 4 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે ભાવનગર અને અમદાવાદના બાવળામાં ત્રણ ઈંચ, વડોદરામાં પોણા ત્રણ, બોરસદ, નળીયાદ, ગરૂડેશ્ર્વરમાં 2॥ ઈંચ, મઉધામાં બે ઈંચ, હંસોટા, ધોલેરા, તારાપુર, ગલ્તેશ્ર્વર, તિલકવાડા, ઘોઘા, આણંદ, બાલાસીનોર, માંગરોળ, વાગરા, સંખેડા, ઉમરેટ, સાવરકુંડલા, ધરમપુર, થાસરા, ડભોઈ અને ભરૂચમાં 1॥ ઈંચ ઉપરાંત ધોળકા, ગોધરા, ખેડા, કપડવંજ, અંકલેશ્ર્વર, લીંબડીમાં 1। ઈંચ, અને સોજીત્રા, નાંદોદ, પેટલાદ, જંબુસર, કલોલ અને માત્રામાં 1 ઈંચ સુધી કમોસમી વરસાદ પડ્યો હતો.