For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કમોસમી વરસાદની સહાય હવે ‘સરકારી’ સરવે પછી!

03:55 PM Oct 29, 2025 IST | admin
કમોસમી વરસાદની સહાય હવે ‘સરકારી’ સરવે પછી

ગ્રામ સેવકો અઠવાડિયામાં રિપોર્ટ આપશે, સરકાર સહાય નિયમો ઉપરાંત પણ એક વિશેષ રાહત પેકેજ જાહેર કરે તેવી શકયતા

Advertisement

ગાંધીનગર કેબીનેટ બેઠકમાં નુકસાનની સહાય ચૂકવવાનો સૈધ્ધાંતિક નિર્ણય

રાજ્યમાં કટાણે આવેલા વરસાદે ખેડૂતોના ટાણા બગાડયા છે. છેલ્લા છએક દિવસથી અવિરત માવઠારૂપી આફત સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં વરસી રહી છે. જેના કારણે ખેડૂતોનો તૈયાર પાક પર પાણી ફરી વળ્યું છે. જેને લઈને સરકારે પણ તાત્કાલીક મંત્રીઓને ખેતરોમાં દોડાવ્યા હતાં અને તેના આધારે આજે મળેલી કેબીનેટની બેઠકમાં નુકસાનીનો સર્વે કરવાની મંજુરી અપાઈ છે અને આ સર્વે બને એટલો ઝડપી પૂર્ણ કરી નુકસાનીની સહાય ચુકવવામાં આવશે.

Advertisement

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસતી વરસી રહેલા કમોસમી વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં પાકને ભારે નુકસાન થયું છે. ખાસ કરીને અમરેલી, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ સહિતના વિસ્તારો એવા છે કે જ્યાં તૈયાર પાક ખેતરમાં પડયો છે અને ઉપર વરસાદ પડી રહ્યો છે. મગફળી, સોયાબીન, કપાસ, તુવેર સહિતના પાકને વ્યાપક નુકસાન થયું છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સ્થિતિનો તાત્કાલીક તાગ મેળવવા મંત્રીઓને અસરગ્રસ્ત વિસ્તારોમાં જવાની સુચના આપી હતી. મુખ્યમંત્રીના આદેશ બાદ ગતરોજ મંત્રીઓ અસરગ્રસ્ત વિસ્તારનાં ખેતરોમાં પહોંચી અને ખેડૂતની વેદના સાંભળી હતી ેતમજ સ્થિતિનું નિરીક્ષણ કર્યુ હતું. મંત્રીઓએ પણ સ્વિકાર્યુ હતું કે માવઠાથી ખેતી પાકને વ્યાપક નુકસાન થયું છે અને સરકાર ખેડૂતોની પડખે ઉભી છે. જેના કારણે આજે મળેલી કેબીનેટની બેઠકમાં પાક નુકસાનીની સ્થિતિ અને સહાય અંગે વિસ્તૃત ચર્ચા બાદ સર્વેની મંજુરી આપવામાં આવી છે. હવે ગ્રામ સેવકો અસરગ્રસ્ત જિલ્લાઓમાં નુકસાનીનો સર્વે કરશે અને આ સર્વે આવ્યા બાદ સહાય પેકેજ જાહેર કરવામાં આવશે.

આજે મળેલી કેબીનેટની બેઠકમાં કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાનીની સ્થિતિ અને ખેડૂતોને ચુકવવાની થતી સહાય અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી અને સરકાર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે ગયેલા મંત્રીઓએ પોતાનો રિપોર્ટ રજૂ કર્યો હતો. જેને લઈને કેબીનેટે એવો નિર્ણય લીધો છે કે નુકસાનીનો સર્વેનો રિપોર્ટ આવ્યા બાદ સહાય જાહેર કરવામાં આવશે. એનડી આરએફ અને એસબી આરએફના નિયમો ઉપરાંત એક વિશેષ રાહત પેકેજ જાહેર કરવા અંગે પણ સરકાર વિચારણા કરી રહી છે.

ખેડૂતો પણ નુકસાનીની વિગતો મોકલી શકશે
કમોસમી વરસાદથી થયેલા નુકસાનની વિગતો ખેડૂતો પણ મોકલી શકે તેવી જોગવાઈ સરકારે કરી છે. આ માટે ખેડૂતોએ કૃષિ પ્રગતિ એપમાં નુકસાનીની વિગતો અપલોડ કરવાની રહેશે. તેમજ આ અંગે વધુ વિગત માટે ગ્રામ સેવકની પણ તેઓ મદદ લઈ શકશે.

મંત્રીઓના તાગ બાદ હવે ગ્રામ સેવકો રિપોર્ટ આપશે
માવઠારૂપી આફતથી ખેડૂતો ઉપર આભ ફાટયું હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે. ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળતાં સરકારે તાત્કાલીક પ્રધાનોને અલગ અલગ વિસ્તારોમાં દોડાવ્યા હતાં. ગત રોજ કૃષિ મંત્રી સહિતના મંત્રીઓ જુદા જુદા ગામડાઓમાં જઈને ખેતરો ખુંદયા હતાં અને નુકસાનીનું તાગ મેળવ્યો હતો. તેમજ ખેડૂતો સાથે બેઠક કરી તેમની સ્થિતિ અંગે માહિતી મેળવી હતી. જે આજે કેબીનેટમાં તેઓએ રજુ કરી હતી અને ત્યારબાદ કેબીનેટે હવે ગ્રામ સેવકોને નુકસાનીનો સર્વે કરવાની જવાબદારી સોંપી છે અને આ રિપોર્ટ અઠવાડિયામાં રજૂ કરવાનો રહેશે.

ટેકનોલોજીના ઉપયોગથી તાત્કાલિક સર્વેનો આદેશ
કેબીનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ, તાત્કાલીક ધોરણે પાક નુકસાનીનો સર્વે શરૂ કરવા જિલ્લા વહીવટી તંત્રને સુચના આપવામાં આવે છે. અસરગ્રસ્ત વિસ્તારોનાં તમામ સર્વે નંબરોમાં ડીજીટલ સર્વે કરવામાં આવશે. ખેતી નિયામક સેટેલાઈટ ઈમેજ આધારિત પ્રાથમિક રિપોર્ટ મેળવીને જિલ્લા કક્ષાએ મોકલી આપશે.

સર્વેની કામગીરીની સમય મર્યાદા
1 સેટેલાઈટ ઈમેજ આધારિત ઇમ્પેકટેડ વિસ્તારની માહિતી જિલ્લાને આપવી- કુદરતી આપત્તિની ઘટના બન્યાથી 12 દિવસની અંદર
2 વિગતવાર ડીજીટલ સર્વેની કામગીરી સર્વેહુકમ થયેથી દિન-20 માં
3 ડિજિટલ સર્વે અને સેટેલાઈટ ઇમેજ મેચ કરી રિપોર્ટ જિલ્લા કલેકટરને મોકલવો- દિન-7 માં
4 ખેતી નિયામકએ સરકારને સંકલિત દરખાસ્ત રજૂ કરવી- સર્વે પુર્ણ થયાથી- દિન-15 માં....

Advertisement
Tags :
Advertisement
Advertisement