ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ખંભાળિયા સહિત જિલ્લામાં કમોસમી માવઠું: બે ઈંચ વરસાદથી ખેડૂતોને વ્યાપક નુકસાની

11:30 AM Oct 28, 2025 IST | admin
Advertisement

- કલ્યાણપુર, ભાણવડ સહિતના વિસ્તારોમાં માવઠાથી હાલાકીની પરિસ્થિતિ -

Advertisement

 

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસથી બદલાયેલા વાતાવરણ વચ્ચે ગઈકાલે સોમવારે ખંભાળિયા પંથકમાં ઠેર-ઠેર કમોસમી માવઠું વરસ્યું હતું. આ ઉપરાંત કલ્યાણપુર અને ભાણવડના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસતા ખાસ કરીને ધરતીપુત્રો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

ખંભાળિયા પંથકમાં ગઈકાલે સોમવારે સવારથી વાતાવરણમાં નોંધપાત્ર પલટો આવ્યો હતો અને વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. આ વચ્ચે બપોરે આશરે સાડા ત્રણેક વાગ્યે ધીમીધારે વરસાદ વરસ્યો હતો. જેનાથી સરકારી ચોપડે ચાર મી.મી. વરસાદ નોંધાયો હતો. આ પછી ગતરાત્રિના આશરે એકાદ વાગ્યાથી ધોધમાર વરસાદ વરસી જતા બે કલાક જેટલા સમય ગાળામાં વધુ પોણા બે ઈંચ સહિત કુલ બે ઈંચ (49 મી.મી.) પાણી વરસી જવા પામ્યું હતું.
ખંભાળિયા ઉપરાંત નજીકના કેશોદ, વિંઝલપર, માંઝા વિગેરે ગામોમાં આ માવઠાથી ખેડૂતોએ તૈયાર થયેલા અને ખેતરમાં રાખેલા મગફળીના પાક પર વરસાદ વરસતા આ પાક પલળી જવા પામ્યો હતો. જેના કારણે ખેડૂતોને વ્યાપક નુકસાની થવાની દહેશત પણ વ્યક્ત કરવામાં આવી છે. ખંભાળિયામાં વરસાદના પગલે માર્ગો કીચડથી ખરડાઈ ગયા હતા અને વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. માવઠાના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.

આ ઉપરાંત કલ્યાણપુર અને તાલુકાના પટેલકા, ભોગાત, નાવદ્રા, સહિતના ગામોમાં પણ ગઈકાલના એક ઈંચ (22 મી.મી.) જેટલા વરસાદથી આ માવઠાના કારણે તૈયાર થયેલા પાક પલળી જતા ખેડૂતોના મોઢે આવેલો પાકનો કોળિયો છીનવાઈ ગયો હોવાનું ચિત્ર જોવા મળ્યું હતું. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં પણ ગતરાત્રે અડધો ઈંચ (13 મી.મી.) અને દ્વારકામાં પણ આજે ચઢતા પહોરે 6 મી.મી. વરસાદ નોંધાયો છે.

આમ, ખંભાળિયા તથા કલ્યાણપુર અને ભાણવડના કેટલાક ગામડાઓમાં આ કમોસમી માવઠાથી નગરજનો, ગ્રામજનો અને ધરતીપુત્રોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અને જનજીવન પ્રભાવિત બન્યું હતું.
આજે સવારે 8 વાગ્યા સુધીમાં કલ્યાણપુર તાલુકામાં 50 ઈંચ (1244 મી.મી.), દ્વારકા તાલુકામાં 40 ઈંચ (992 મી.મી.), ભાણવડ તાલુકામાં 34 ઈંચ (855 મી.મી.) અને ખંભાળિયા તાલુકામાં 28 ઈંચ (695 મી.મી.) જિલ્લામાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 38 ઈંચ (947 મી.મી.) નોંધાયો છે.

આજે સવારે પણ ખંભાળિયા સહિતના વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા વચ્ચે વાદળછાયુ વાતાવરણ રહ્યું હતું અને ઠંડકભર્યા માહોલ વચ્ચે વધુ વરસાદની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

Tags :
gujaratgujarat newsKhambhaliyaKhambhaliya newsrain
Advertisement
Next Article
Advertisement