For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જૂનાગઢના સંવેદનશીલ વિસ્તારોમાં લદાશે અશાંત ધારો

11:28 AM Nov 20, 2025 IST | Bhumika
જૂનાગઢના સંવેદનશીલ વિસ્તારોમાં લદાશે અશાંત ધારો

જૂનાગઢ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં લાગૂ કરવાની રજૂઆતોને ગંભીરતાથી ધ્યાને લઇને જિલ્લા કલેકટર અનિલ રાણાવસિયા દ્વારા તાત્કાલિક ધોરણે એક વિશેષ કમિટીની રચના કરવામાં આવી છે. લાંબા સમયથી શહેરના અમુક સંવેદનશીલ વિસ્તારોમાં આ કાયદો લાગૂ કરવા માટે સ્થાનિક લોકો અને સંગઠનો દ્વારા ઉગ્ર માગણીઓ થઈ રહી હતી, જેને પરિણામે વહીવટી તંત્રએ આ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ કમિટી દ્વારા કયા-કયા વિસ્તારોમાં અશાંતધારો લાગૂ કરવો તે સહિતની જુદી-જુદી બાબતો પર વ્યાપક સર્વેક્ષણનું કાર્ય શરૂૂ કરી દેવામાં આવ્યું છે.

Advertisement

જૂનાગઢ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આ અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે, જુનાગઢ શહેરના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં અશાંત ધારો લાગુ કરવા માટે અનેક રજૂઆતો છેલ્લા ઘણા દિવસોમાં જિલ્લા કલેકટર, મુખ્યમંત્રી કાર્યાલય તેમજ અન્ય સત્તાધીશોને થઈ છે. આ તમામ રજૂઆતોને એકીકૃત કરીને હવે જિલ્લા કલેકટર અનિલ રાણાવસિયા દ્વારા સત્તાવાર રીતે આ કમિટીની રચના કરવામાં આવી છે.

આ કમિટીની રચના પોલીસ અને મામલતદારની અધ્યક્ષતામાં કરવામાં આવી છે. આ કમિટીમાં માત્ર મહેસૂલી અને પોલીસ વિભાગના અધિકારીઓ જ નહીં, પરંતુ અન્ય ટેકનિકલ વિભાગોના અધિકારીઓને પણ સામેલ કરવામાં આવ્યા છે. કમિટીમાં ટાઉન પ્લાનિંગ વિભાગ, સીટી સર્વેયર સહિત જુદા-જુદા વિભાગના અધિકારીઓની સંયુક્ત ટીમ બનાવવામાં આવી છે. આ બહુ-વિભાગીય કમિટી બનાવવાનો મુખ્ય હેતુ એ છે કે, આ વિસ્તારની ભૌગોલિક અને સામાજિક-આર્થિક સ્થિતિનો સંપૂર્ણ અને નિષ્પક્ષ અહેવાલ તૈયાર કરી શકાય.

Advertisement

આ કમિટીનું મુખ્ય કાર્ય આખું મેપ તૈયાર કરવાનું રહેશે. આ મેપ તૈયાર કરવા માટે માત્ર વર્તમાન પરિસ્થિતિ જ નહીં, પરંતુ ભૂતકાળની ઘટનાઓનો પણ ઝીણવટભર્યો અભ્યાસ કરવામાં આવશે.

આ તમામ વિસ્તૃત માહિતીના આધારે રિપોર્ટ તૈયાર કરાશે. કમિટી આ રિપોર્ટમાં સ્પષ્ટપણે સૂચનો કરશે કે કયા કયા વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવો કે નહીં. અંતિમ રિપોર્ટ તૈયાર કરીને જિલ્લા કલેકટરને દરખાસ્ત મુકવામાં આવશે, જેના પર અંતિમ વહીવટી નિર્ણય લેવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement